જૂનાગઢ જિલ્લામાં રૂા.૨૯૫૬.૮૫ લાખના વિકાસના કામો હાથ ધરાશે

ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે અને ગ્રામ્ય કક્ષાએ જરૂરી સુવિધાઓ ઉભી થશે

ગ્રામ્ય કક્ષાએ રસ્તા, સી.સી.ટી.વી., એલ.ઇ.ડી.સ્ટ્રીટ લાઇટ, સોલાર સીસ્ટમ જેવી માળખાગત સુવિધા મળી રહેશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય કક્ષાના વિકાસના કામોની મંજુરી આપવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરિખના માર્ગદર્શન હેઠળ ૧૫ માં નાણાપંચ હેઠળ જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટનું આયોજન કરી રૂા.૯૫૦ લાખની મંજુરી વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર પાસેથી મેળવેલ તથા તાલુકા કક્ષાની ૨૦ ટકા ગ્રાન્ટમાંથી ૯ તાલુકાઓમાં કુલ રકમ રૂા.૨૦૦૬.૮૫ લાખના કામોને જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

આમ જૂનાગઢ જિલ્લામાં કુલ રકમ રૂા.૨૯૫૬.૮૫ લાખની રકમના વિકાસના કામો હાથ ધરી શકાશે. જેથી ગ્રામ્ય કક્ષાએ રસ્તા, સી.સી.ટી.વી., એલ.ઇ.ડી.સ્ટ્રીટ લાઇટ, સોલાર સીસ્ટમ જેવી માળખાગત સુવિધા ઇ-ગ્રામ સુવિધા, ચેકડેમ, કોઝવેના કામો, મનરેગા હેઠળ કનવર્ઝન્સ કરી સામુહિક શૌચાલય તથા ઇલેકટ્રીક વાહન, ભુગર્ભ ગટર, સફાઇના સાધનો, પશુ સારવાર તેમજ શાળા તથા આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી સુવિધાઓ મળી રહેશે. આ કામોની મંજુરીથી જૂનાગઢ જિલ્લાના ગામોમાં વિકાસના કામોને વેગ મળશે અને ગ્રામ્ય કક્ષાએ જરૂરી સુવિધાઓ ઉભી થશે.