ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ

અનુસ્નાતક કક્ષા ઉપરાંત એલએલ.બી. અને બી.એડ્.ની પરીક્ષાઓ ૨૧ કેન્દ્રો ઉપર લેવાશે : દોઢ કલાકના એક એવા ત્રણ સેશનમાં કુલ ૭૬૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા યોજાશે : કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદી

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આવતીકાલથી વિવિધ ૨૧ કેન્દ્રો ઉપર ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. એમ.એ., એમ.એ. (હોમ સાયન્સ), એમ.કોમ., એમ.એસસી., એમ.એસસી.(હોમ સાયન્સ), એમ.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), એમ.એસ.ડબલ્યુ., એમ.આર.એસ., પીજીડીસીએ, એલએલ.એમ., એલએલ.બી., બી.એડ. તથા એમ.એડ.ની પરીક્ષામાં કુલ ૭૬૩૩ વિદ્યાર્થીઓ બેસવાના છે.

કોરોના મહામારીને લીધે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થી હિતમાં લેવાયેલ નિર્ણય મુજબ પરીક્ષાના ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે લેવાતી કુલ ૭૦ માર્ક્સની અઢી કલાકના સમય સાથેની લેખિત પરીક્ષા આ વખતે ૪૨ માર્ક્સ અને દોઢ કલાકની કરવામાં આવી છે. દિવસ દરમ્યાન કુલ ત્રણ સેશનમાં પરીક્ષા યોજાશે.

પરીક્ષા દરમ્યાન માસ્ક, સેનિટાઈઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ તંદુરસ્ત વાતાવરણમાં સ્વસ્થ મનથી પરીક્ષા આપી શકશે તેવું કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.