સસલા બાદ કાચબાએ જંગલના ત્રણ – ત્રણ રાજાઓને હરાવી જીવ બચાવ્યો

ગીરના જંગલમાં કમલેશ્વર ડેમ નજીકની અદભુત ઘટના કેમેરામાં કેદ

જૂનાગઢ : ધીમી પણ મક્કમ ગતિએ ચાલતા કાચબાએ તેજ ગતિએ ભાગતા સસલાને હરાવ્યાની વાર્તા બચપણથી સૌ કોઈએ સાંભળી છે ત્યારે ગીરના જંગલમાં કાચબાએ બીજું પરાક્રમ કરી જંગલના એક, બે નહિ પરંતુ ત્રણ – ત્રણ રાજાઓને હરાવી પોતાનો જીવ બચાવ્યો હતો અને આ સમગ્ર ઘટના ફોરેસ્ટ ઓફિસરે કેમેરે કેદ કરી લીધી હતી.

ગીર જંગલમાં એક એવી ઘટના બની કે જેમાં જેની ત્રાડથી આખા જંગલને ફફડાવી નાખનાર વનરાજો હાંફી ગયા અને જંગલના રાજાને હંફાવનાર હતો નાનો એવો કાચબો. એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાં રોજ અનેક દુર્લભ ઘટનાઓ બને છે.પરંતુ તેમાંથી કોઈક સામે આવે છે અને કેમરામાં કેદ થાય છે.ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક આવી જ એક દુર્લભ ઘટના બની હતી.જેમાં ત્રણ યુવાન સિંહ ડેમ નજીક જતા હતા.ત્યારે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં બેઠો હતો.અને પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો હતો.સિંહના ધ્યાનમાં આ કાચબો આવી જતા કાચબાને એક સિંહે પકડ્યો હતો.ત્યાં જ કાચબાએ પોતાનું મો અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાનો શીકાર કરવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત કવચ ધરાવતા કાચબાને કોઈ અસર થઈ ન હતી.

એક પછી એક ત્રણેય યુવાન સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગ ઉપર રાખી નખથી ખોલવા માટેના પ્રયાસો કર્યા હતા.પરંતુ તેમાં સફળ થયા ન હતા.આખરે કાચબાને મજબૂત કવચના લીધે ત્રણેય સિંહો હાંફી ગયા હતા.અને થોડે દુર જઈ બેસી ગયા હતા.થોડી વાર બાદ કાચબાએ મોઢું બહાર કાઢી પહેલા આસપાસ જોઈ લીધું હતું.અને ત્યાંથી ડેમના પાણી તરફ ચાલતો થયો હતો. કાચબો ચાલતો થતા ફરી ત્રણેય સિંહોની નજર જતા તેઓ પાછળ ગયા હતા.પણ ત્યાં સુધીમાં કાચબો પાણીમાં જતો રહ્યો હતો.

સમગ્ર ઘટનાને કેમરમાં કેદ કરનાર ગીર અભયારણ્યના સાસણ ડીસીએફ મોહન રામ કહે છે કે, કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ કોઈ કસર છોડી ન હતી. એક સિંહ તો પોતાના ચારેય પગે કાચબા ઉપર ચડી ગયો હતો છતાં પણ કાચબાએ ધૈર્ય રાખી પોતાનો જીવ બચાવી પામીમાં ચાલ્યો ગયો હતો.