ગીરના જંગલમાં નવી પ્રજાતિના કરોળીયાની શોધ થઈ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવને કરોળીયાને ‘નરસિંહ મહેતાઈ’ નામ આપ્યું : વિશ્વના અન્ય કરોળીયાની સરખામણીમાં આ કરોળીયો સાવ અલગ

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસના પ્રાણીશાસ્ત્ર (ઝૂલોજી)વિભાગ દ્વારા ગીરનારના જંગલમાંથી તદન નવી પ્રજાતિના કરોળીયાની શોધ કરવામાં આવી છે.આ કરોળીયાને ‘નરસિંહ મહેતાઈ’ નામ આપીને જૂનાગઢ તથા સ્વ.નરસિંહ મહેતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.

ઝાંખા કે ઘાટા લાલાશ પડતા રંગનું ગોળાકાર માથું (સીફેલોથોરેકસ), ભૂરું પેટ તથા શરીર ઉપર આછી કાળી રૂવાટી ધરાવતા ‘પાલપીમાનુસ નરસિંહ મેહતાઇ’ વિશે ઝૂલોજીના પ્રાધ્યાપક ડો.જતીન વિ. રાવલે જણાવ્યુ હતું કે વિશ્વના અન્ય કરોળીયાની સરખામણીમાં આ કરોળિયો સાવ અલગ જ છે. તેના પગની પ્રથમ જોડી પગની અન્ય ત્રણ જોડીની તુલનામાં ખુબ જ ભારે અને મજબૂત હોય છે. વિશ્વભરમાં જોવા મળતી કરોળીયાની ૪૯,૮૫૮ (વર્લ્ડ સ્પાઇડર કેટલોગ) પ્રજાતિઓમાંથી આ પ્રજાતિ સૌથી અલગ જ હોવાનું જણાવ્યુ છે. આ પ્રજાતિના કરોળિયા ખાસ કરીને ગીરનારના જંગલમાં, દાતારની ટેકરીઓ ઉપર મોટાભાગે જોવા મળે છે.

કરોળિયાનો પરિવાર પર્વતો, ખડકો, વૃક્ષોના પાન, સાગના ઝાડની છાલની નીચે રહેતો જોવા મળે છે. સમાજમાં પર્યાવરણ ક્ષેત્રે કંટ્રોલ એજન્ટ ( જીવાત નિયંત્રક ) કરોળિયાને પલ્પ – ફૂટેડ સ્પાઇડર તરીકે ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક શોધમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસના ડો.જતીન વિ. રાવલ તથા તેમના પીએચ.ડી. વિદ્યાર્થિની નમ્રતા હૂણ જોડાયા હતા. આ અગાઉ પણ ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સીસ દ્વારા કાર્ની વોરસ પ્લાન્ટ ની શોધ કરી ન્યુ રેકોર્ડ તરીકે પ્રકાશિત કરવામાં આવેલ.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ આ અસામાન્ય શોધ બદલ લાઈફ સાયન્સીસ ભવનને અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર ભારતના પ્રાણીશાસ્ત્ર (ઝૂલોજી) ના પ્રાધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ વિગેરે માટે આ શોધને સીમાચિન્હ રૂપ ગણાવી હતી. અંતમાં કુલપતિએ આશા વ્યકત કરી હતી કે ગિરનાર ક્ષેત્ર માં રહેલી અલભ્ય ઔષધિઓ, વનસ્પતિઓ તથા પ્રાણીઓ વિષે પણ ભવિષ્યમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખૂબ મોટું યોગદાન આપી શકશે.