કરબોજ ફગાવી હળવું ફુલ બજેટ મંજુર કરતા જૂનાગઢ પાલિકાના શાસકો

રૂપિયા 395.61 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીની લીલીઝંડી, બજેટ જનરલ બોર્ડ તરફ રવાના

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકાના શાસકો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ વધારાના 9 કરોડના કરવેરા ફગાવી દઈ પ્રજાજનોને કોરોના કાળમાં રાહત મળે તેવું હળવું ફૂલ બજેટ મંજુર કરી જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ શહેરના વિકાસને નજર સમક્ષ રાખી રૂપિયા 395.61કરોડ રૂપિયાનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણાએ બજેટ મંજુર કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ રૂપિયા 9 કરોડ જેટલો કરબોજ ના મંજુર કરી પ્રજાજનોની વર્તમાન સ્થિતિ નજરે લઈ કોઈ વધારાનો કરબોજ નાખવામાં આવ્યો નથી.

જૂનાગઢ મહાનગર પાલિકાના વર્ષ 2022 – 23ના બજેટમાં પહેલી વખત શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને લક્ષ્યમાં રાખી રૂપિયા 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને ધમધમતો કરવા ગિરનાર મહોત્સવ યોજવા પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા બજેટમાં નળ કનેક્શનનો ચાર્જ રૂપિયા 3200થી ઘટાડી રૂપિયા 2000 કરવામાં આવ્યો છે અને લોકોને રૂપિયા 1200ની રાહત આપી જૂનાગઢ શહેર અને ઓજી વિસ્તારમાં જે અસામીઓ નળ કનેક્શન રદ કરવા ઇચ્છતા હોય તે પોતાના કનેક્શન રદ્દ પણ કરાવી શકશે.

દરમિયાન મહાનગર પાલિકાના શાસકો દ્વારા બજેટમાં વેરા વસુલાત માટે રેગ્યુલર વેરો ચૂકવતા નાગરિકોને 10 ટકા રિબેટ યોજનાનો લાભ આપવાની સાથે ઓનલાઈન વેરો ભરે તે નાગરિકોને વધુ બે ટકા છૂટ આપવામાં આવશે તેવું જાહેર કરાયુ છે.

મહાનગર પાલિકાના વર્ષ 2022-23ના બજેટ મંજૂરી પ્રક્રિયા સમયે મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર, ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓ અને નગર સેવકો હાજર રહ્યા હતા.