હનીટ્રેપ કાંડની અપરાધી જીન્નત આણી મંડળીની જામીન અરજી ફગાવતી નામદાર કોર્ટ

એડી.પીપી વી.એન.માઢકની ધારદાર દલીલોને ધ્યાને લઇ નામદાર અદાલતે રેગ્યુલર જામીન અરજી ના મંજુર કરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના યુવાનને મોહજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેવાના હનીટ્રેપના કિસ્સામાં સંડોવાયેલ માસ્ટર માઈન્ડ જીન્નત ઉર્ફે બીબી તેમજ તેના બે સાગરીતોએ નામદાર વિસાવદર કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન ઉપર છૂટવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આ કેસની વિગત જોઈએ તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ ઉવ. 35 મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા. તે દરમિયાન બલિયાવડ ગામ થઈ આગળ ભેસાણ ચોકડી પાસે તા. 01.02.2022 ના રોજ જીન્નત ઉર્ફે બીબી અલ્લારખાભાઈ તેરવાડિયાએ લિફ્ટ માંગતા, પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી, થોડા આગળ જતાં, અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા ઉવ. 39 રહે. લાખાપાદર ગામ તા. વડિયા જી. અમરેલી, ભરત ડાયાભાઈ પારઘી, ઉવ. 29 રહે. નાની પરબડી ગામ તા. ધોરાજી જિલ્લો રાજકોટ વાળાએ એલસીબીની ઓળખ આપી યુવાનને ધમકાવી અપહરણ કરી બળજબરીથી રૂ.1.20 લાખ આંગળીયા મારફતે મંગાવી નાણાં પડાવવા કારસો રચતા પોલીસે કારસો નિષ્ફળ બનાવ્યો હતો ત્યાર બાદ અન્ય આવો કેસ સામે આવતા બીજા ગુન્હા પણ નોંધાયા હતા.

હનીટ્રેપમાં સંડોવાયેલ આરોપી જીન્નત ઉર્ફે બબી, અરવિંદ ઉર્ફે અનિલ અને ભરત ડાયાભાઈ પારઘીએ નામદાર વિસાવદર કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન ઉપર છૂટવા અરજી કરતા એડિશનલ પીપી વી.એન.માઢકની ધારદાર દલીલો અને હનીટ્રેપ કાંડની મુખ્ય આરોપી એવી જીન્નત ઉર્ફે બબીએ અગાઉ રાજકોટમાં પણ આવા જ ગુન્હા આચર્યા હોવાના પુરાવા રજૂ કરતા નામદાર અદાલતે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.