સિમેન્ટ લેવા બાબતે યુવાનને લાકડી ફટકારી

વીસાવદરના દુધાળા ગામે થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના દુધાળા ગામે સતાધારમાં સિમેન્ટ લેવા બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે યુવાનને લાકડી ફટાકરી માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલ્લભભાઇ વાલજીભાઇ બગડા (ઉ.વ.૩૫ રહે.વીસાવદર હનુમાનપરા તા.વીસાવદર)એ આરોપી ચંદુભાઇ રામજીભાઇ સોલંકી (રહે.દુધાળા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીને અગાઉ બે દીવસ પહેલા સિમેન્ટ લેવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનુ મનદુખ રાખી ગઈકાલે દુધાળા ગામે આરોપીએ ફરીયાદીને લાકડી વડે ડાબા હાથમા માર મારી તથા ઢીકાપાટૂનો મુંઢ માર મારી ગાળો આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.