50 હજારની સહાય ચુકવવામાં પણ તંત્રના ધાંધિયા : જૂનાગઢમાં કોંગ્રેસનો આક્રોશ

કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર રૂપે નહિ ચૂકવાય તો આંદોલન

જૂનાગઢ : કોરોનામાં મૃત્યુને ભેટેલા લોકોનાં પરિવારજનોને સરકારી તંત્ર રૂપિયા 50 હજારની સહાય ચુકવવામાં પણ ધાંધિયા કરતું હોવાનો આરોપ લગાવી આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા અંતર્ગત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ચાર લાખનું વળતર ચૂકવવા માંગ દોહરાવી હતી.

કોરોના માં મૃત્યુ પામેલ લોકોને ચાર લાખ વળતર ચુકવવા માંગ ઉઠાવી આજે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા અંતર્ગત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આવેદનપત્ર આપતી વેળાએ જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રજુઆતમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે 50,000 ની સહાય ચૂકવવામાં પણ તંત્ર ધાંધિયા ચલાવી રહ્યું છે.

વધુમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવા માટે સરકારના ઇશારે લોકોને સહાયથી વંચિત રાખવાનો ખેલ ચાલી રહ્યો હોવાનું ઉમેરી સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ માત્ર પચાસ હજાર વળતર ચૂકવવામાં આવી રહ્યું છે જે યોગ્ય ન હોવાનું જણાવી રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ રજૂઆતને અંતે ઉચ્ચારવામા આવી હતી.