જૂનાગઢમાં કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ : હોસ્પિટલ સહિત સાત મિલકતો સિલ

સિલિંગ કાર્યવાહીથી બચવા એક આસામીએ સ્થળ ઉપર જ 2.62 લાખ ભરી દીધા

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં ચડત મિલ્કતવેરો વસુલવા મહાનગર પાલિકા દ્વારા કડક હાથે વેરાવસુલાત ઝુંબેશ શરૂ કરી છે જે અન્વયે આજે સાત મિલકતો સિલ કરી નાખવામાં આવતા વર્ષોથી ચડત વેરો નહિ ચૂકવતા એક આસામીએ સ્થળ ઉપર જ રૂ.2.62 લાખનો વેરો ભરપાઈ કરી દીધો હતો.

જુનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ ધ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન કરતા હોય જુનાગઢ મહાનગર પાલિકાની ઘરવેરા શાખા દ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં જી.આઈ.ડી.સી-૨ વિસ્તારમાં આવેલ ગ્રીન ફાર્મ બાયોજીન પ્રા.લી, સેલરીયા બાબુભાઈ વેલજીભાઈ મારૂતી કોમ્પલેક્ષ, ભીમજીયાણી ભાઈલાલ બિલ્ડર્સની કુલ ત્રણ મિલ્કત, માર્કેટીંગ યાર્ડ પાસે તેમજ ડો.જી.જી દેસાઈની હોસ્પિટલ,બાલાજી કોમ્પલેક્ષ મળી કુલ ૭ મિલ્કતોને સીલ કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ પટોલીયા દીનેશભાઈ પોપટલાલએ સિલિંગ કાર્યવાહીથી બચવા સ્થળ ઉપર જ લાંબા સમયથી બાકી રહેતી રકમ રૂા.2.62 લાખની ભરપાઈ કરી આપેલ હતી.

મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ મિલ્કતોના માલિકો કબ્જેદારો ભાડુઆતોએ પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી ટેકસની રકમ સત્વરે ભરપાઈ કરી આપવી જેથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી દંડાત્મક કાર્યવાહીથી બચી શકાય અને બિનજરૂરી વ્યાજની રકમ ભરવામાંથી મુકિત મેળવી શકાય જેની દરેક મિલ્કત ધારકોએ નોંધ લઈ સત્વરે બાકી વેરાઓ ભરપાઈ કરવા અનુરોધ કરાયો છે.