સક્કરબાગ ઝુમાં બે વનરાજાના ઘેર પારણું બંધાયું, ચાર બાળસિંહનો જન્મ

બાબરકોટ નામની સિંહણ અને ડીત્રીસ નામની સિંહણે બે દિવસમાં ચાર બાળ સિંહને જન્મ આપ્યો

જૂનાગઢ : જૂનાગઢના વિખ્યાત સક્કરબાગ ઝુમાં બે વનરાજાના ઘેર પારણું બંધાયું છે. જેમાં બે સિંહણોએ ચાર સિંહ બચ્ચાંને જન્મ આપ્યો છે. આ ચારેય બાળસિંહ એક્દમ હેલ્ધી હોવાની ડોક્ટરે પુષ્ટિ આપી છે.

જૂનાગઢ સક્કરબાગ ઝુમાં આશ્રય લેતા બે સિંહોના ઘરે નવજાતસિંહનો જન્મ થયો છે. આ વાતને પુષ્ટિ આવતા જૂનાગઢ સક્કરબાગ ઝુના વેટરનિટી ડો. રિયાઝ કડીવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝુમાં તા.5ના રોજ બાબરકોટ નામની સિંહણ અને ત્રાકુંડા નામના નરસિંહના સફળ બ્રિડીંગથી બે બાળસિંહનો જન્મ થયો છે. તેમજ તા 6 ના રોજ ડીત્રીસ નામની સિંહણ અને ધારી નામના સિંહના સફળ બ્રિડીંગથી બે બાળસિંહનો જન્મ થયો છે. આમ બે દિવસમાં ચાર સિંહ બચ્ચાનો જન્મ થતા સક્કરબાગ ઝુમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથેસાથે આ બન્ને સિંહણ બીજી કે ત્રીજી વખત નવજાત સિંહને જન્મ આપ્યો હોઈ ટાઈમે ટાઈમે બાળસિંહને દૂધ પીવડાવીને જતન કરી રહી છે અને સક્કરબાગ ઝુના કર્મચારીઓ દ્વારા પણ સમયે સમયે ખોરાક સહિતની બાબતોની ખાસ તકેદારી લેવામાં આવી છે.