પાર્ક થયેલા ટ્રકોમાંથી બે પાવર બેટરીઓની ચોરી

જુનાગઢ રોડ, ઉતાવળીયા નદીના પુલની બાજુમાં રોડની સાઇડમાં બનેલી ઘટનામાં ટ્રક ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ રોડ, ઉતાવળીયા નદીના પુલની બાજુમાં રોડની સાઇડમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રકોમાંથી તસ્કરો બે પાવર બેટરીઓની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રક ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નરેન્દ્રસિંહ દાદભા રાયજાદા (ઉ.વ.૫૩ રહે.રાજસીનેમા રોડ, રામનગર કેશોદ) એ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧ના રોજ જુનાગઢ રોડ, ઉતાવળીયા નદીના પુલની બાજુમાં રોડની સાઇડમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રકોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં ફરીયાદીના પાર્ક કરેલ ટ્રકોમાંના ટ્રક નં.GJ-11-X-9722 માં ફીટ કરેલ હતી તે ગોકુલ કંપનીની પાવર બેટરી જેની કિ.રૂ.૮૦૦૦ ની તથા ટ્રક નં.GJ-03-AT-0945માં ફીટ કરેલી હતી તે આઇ-ટેક કંપનીની પાવર બેટરી જેની કિ.રૂ.૧૨,૯૦૦ ની મળી કુલ બે પાવર બેટરીઓ જેની કુલ કિ.રૂ.૨૦,૯૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.