બૅંકમાં નાણાં જમા કરવા આવતા આધેડના રૂ.60 ભરેલા થેલાની તડફંચી

માંગરોળના જુના બસ સ્ટેશન સામે બૅંક પાસે બનેલી ઘટનામાં બે અજાણ્યા ગઠિયાઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળના જુના બસ સ્ટેશન સામે આવેલ ધ વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિમીટેડમાં નાણાં જમા કરવા આવતા આધેડના રૂ.60 ભરેલા થેલાની તડફંચી થયાની ઘટના સામે આવી છે. જેમાં બે ગઠિયા દાદા કળા કરી ગયાની આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દાસાભાઇ ભીમાભાઇ કોડીયાતર (ઉ.વ.૫૫ રહે.વાડલા ગામ, સરખડી વાડી વિસ્તાર તા.માંગરોળ) એ અજાણ્યા બે પચ્ચીસેક વર્ષની ઉમરનાં ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગત તા.૩ના રોજ માંગરોળના જુના બસ સ્ટેશન સામે આવેલ ધ વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિમીટેડ બેન્કમાં રોકડા રૂ.૬૦,૦૦૦ એક કપડાની થેલીમાં રાખી જમા કરાવવા આવેલ હોય ત્યારે ત્યાં કોઇ બે અજાણ્યા ઇસમો ફરીયાદીની નજર ચુકવી કોઇપણ રીતે ફરીયાદીની પાસે રહેલ થેલીમાથી રોકડા રૂ.૬૦૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.