આવતીકાલે સોમવારે પૂજ્ય કાશ્મીરીબાપુને વિધિવત સમાધિ અપાશે

પૂજ્ય કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થતા અંતિમ દર્શન માટે સેવકો ઉમટ્યા

જૂનાગઢ : ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતેની જગ્યાના આશ્રમના મહંત એવા કાશ્મીરીબાપુએ આજે સવારે ૯૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. લાખો સેવકોમાં લોકચાહના મેળવનાર એવા ગિરનારી સંત બ્રહ્મલીન થતા આજે તેમના અંતિમ દર્શન માટે સેવકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે બાપુને વિધિવત સમાધી આપવામા આવશે.

ગિરનારમાં વર્ષો સુધી દત્ત અને દાતારની તપોભૂમિમાં તપ અને સાધના કરીને હજારો-લાખો સેવકોના દિલમાં વસી ચુકેલા એવા કાશ્મીરીબાપુના હુલામણા નામથી પ્રચલિત થયેલા બાપુનું મૂળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. તેઓ વર્ષોથી ગિરનાર તળેટી જંગલ વિસ્તારમાં આવેલ આમકુ ખાતેની જગ્યાના મહંત તરીકે સેવા-પૂજા કરતા હતા. કાશ્મીરી બાપુનો એક જ જીવનમંત્ર હતો. માનવ સેવા એજ પ્રભુ સેવા. આ મંત્રને સાર્થક કરવા માટે બાપુએ આશ્રમ ખાતે આવતા સેવકો, ભક્તો અને યાત્રાળુઓને ક્યારેય પ્રસાદી લીધા વગર જવા નથી દીધા.

આશ્રમમાં સતત અન્નક્ષેત્ર ચાલુ રાખીને ભૂખ્યાઓની આંતરડી ઠારવાનું કર્મ કર્યું છે. યુવાનીમાં તેઓ દાતારની જગ્યાએ પટેલ બાપુના સમયમાં જંગલના રસ્તે ચાલીને દાતાર જતા હતા. તેમજ દત્ત શિખર પર જવાનો તેમનો નિત્યક્રમ હતો. પરંતુ તેમની ઉમરના કારણે ગત મહીને તેઓની તબિયત લથડી હતી, અને તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બાપુને ફેફસામાં હવા ભરાઈ જવાના કારણે પંચર પડી જતા અહી તબીબોની ટીમે તેઓની ૧૨ દિવસ સુધી સારવાર કરીને સ્વસ્થ કર્યા હતા, અને હજુ ચાર દિવસ પહેલા જ તેઓને રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બાપુને આશ્રમ ખાતે લવાયા હતા, અહી પણ તેમનું સ્વાસ્થ્યનું દૈનીક ચેકઅપ થતું હતું. ગઈકાલે સાંજે બાપુએ આરતી લીધી હતી, અને આજે સવારે બાપુએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા અને દેવલોક પામ્યા હતા. કાશ્મીરીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેઓને અંતિમ દર્શન માટે આજે સવારથી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સેવકોનો મોટો સમૂહ ઉમટી પડ્યો છે. આજે દિવસભર બાપુના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ અને આવતીકાલે વિધિવત સમાધી આપવામાં આવશે.