સંસદમાં જૈનો વિશેના નિવેદનના જૂનાગઢમાં ઘેરા પડઘા : જૈન સમાજે આવેદન પાઠવ્યું

જૂનાગઢ : સંસદમાં બે દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા જૈનો વિષે કરાયેલ નિવેદનને લઈને આજે જૂનાગઢ શહેરમાં જૈન સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ નોધાવ્યો હતો.

બે દિવસ પહેલા સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોઈત્રા મહુવાએ એવું નિવેદન આપ્યું હતું કે, અમદાવાદમાં જૈનો છાનામાના નોનવેજ ખાય છે. જે નિવેદનને લઈને સમગ્ર ભારતભરમાં જૈનોની લાગણી દુભાઈ છે, જૈન સમાજના લોકો નોનવેજ તો ઠીક કંદમૂળ પણ નથી ખાતા. વર્ષમાં 50 થી વધારે દિવસો લીલોતરી પણ ખાતા નથી છતાં આવા નિવેદનને લઈને જૈનોની લાગણી સાથે ખીલવાડ કરવામાં આવેલ છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદના નિવેદનને વખોડી કાઢી આજે જૂનાગઢ શહેરમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ દોશી, તપગચ્છ સંઘના પ્રમુખ દિનેશ શેઠ, ટ્રસ્ટી વિજય મહેતા, સ્થા.જૈન સંઘના ટ્રસ્ટી હિતેશભાઈ સંઘવી સહિતના જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ નિવેદનને સંસદમાં રેકર્ડ પરથી દુર કરીને સાંસદ વતી મમતા બેનરજી સમસ્ત જૈન સમાજની માફી માંગે તેવી અપીલ કરી છે. અન્યથા સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.