જૂનાગઢમાં કોરોનાની વિદાયનું કાઉન્ટ ડાઉન : આજે માત્ર આઠ કેસ

શહેર અને જિલ્લામાં 37 દર્દીઓએ કોરોનાને મહાત આપી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી ઉતરોતર ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસ આજે સિંગલ ડિઝીટમા આવી ગયો છે. આજે સમગ્ર જિલ્લામાં માત્ર આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ આજે શહેર અને જિલ્લાના 37 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં માત્ર આઠ નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં આજે પણ પોઝિટિવ કેસ સિંગલ ડીઝીટમાં રહેતા માત્ર બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 2, કેશોદમાં 1, માળીયામાં 0, ભેસાણ 1, માણાવદરમાં 1, મેંદરડા 0, માંગરોળમાં 0, વંથલીમાં 0 અને વિસાવદરમાં 1 કેસ રહેતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 37 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4557 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 2064 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.