જૂનાગઢ મહાનગર પાલિકાનું 1.10 કરોડનું મહા મેળા કૌભાંડ !

બે વર્ષમાં શિવરાત્રીનો મેળો યોજાયો ન હોવા છતાં ખર્ચ બતાવતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

જૂનાગઢ : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજાયો ન હોવા છતાં મહાનગરપાલિકાએ તે મેળાના ખર્ચ પેટે રૂપિયા 1.10 કરોડનો ખર્ચ બતાવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ કરીને મેળાના મહાકૌભાંડની તપાસની માંગણી કરી છે.

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કરેલી ધગધગતી રજૂઆતમાં જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હતી, ત્યારે સરકાર દ્વારા જાહેર મેળાવડા પર પ્રતિબંધ મુકેલ છે અને જિલ્લા કલેકટર દ્વારા પણ છેલ્લા બે વર્ષમાં જૂનાગઢમાં એકપણ જાહેર મેળા માટે મંજુરી આપી નથી, તેવામાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ભાવિકો માટે એકપણ મેળો યોજ્યો નથી. છતાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૮,૧૫,૭૬૮ અને એપ્રિલ ૨૦૨૧ થી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ૮૨,૩૨,૬૦૩ મળીને કુલ ૧ કરોડ ૧૦ લાખ ૪૮ હજાર ૩૭૧ રૂપિયાનો ખર્ચ મેળાના આયોજન ખર્ચ પેટે બતાવવામા આવ્યો છે તે ઊંડી તપાસ માંગતો વિષય છે.

વધુમાં તેઓએ ઉમેર્યું છે કે, જૂનાગઢ કલેકટર દ્વારા જાહેર મેળા માટે મંજુરી આપી નથી, છતાં મહાપાલિકા દ્વારા બતાવેલ ખર્ચ બાબતે તકેદારી નિરીક્ષક ગાંધીનગર કચેરીથી તપાસ કરવામાં આવે અને પ્રજાના ટેક્ષના નાણા ક્યાં સ્થળે કેવી રીતે વાપરવામાં આવ્યા છે, તેનો ખુલાસો કરવામાં આવે તેવી માંગણી કરીને તલસ્પર્શી તપાસ કરવા માંગણી કરી છે.