રાણકદેવી મહેલનો ઘુમ્મટ ધરાશાયી : એકનું મોત, ચારથી વધુ દબાયા

જુનાગઢના ઉપરકોટમાં રીનોવેશનની કામગીરી દરમિયાન બની ઘટના, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢ : જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલમાં આજે ઘુમ્મટ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે કાટમાળ હેઠળ ચારથી વધુ દબાયા હતા.જુનાગઢના ઉપરકોટમાં રીનોવેશનની કામગીરી દરમિયાન આ કરુણ દુર્ઘટના બની હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલમાં આજે રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક રાણકદેવીના મહેલમાં ઘુમ્મટ ધારાશાયી થયો હતો. આ ઘુમ્મટનો કાટમાળ માથે પડતા ત્યાં કામ કરતા શ્રમિકો-કારીગરો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ એકનું મોત અને ચારથી વધુ કાટમાળ હેઠળ દબાયા હોવાનું જાણવા મળે છે.

આ બનાવને પગલે તાત્કાલિક કાટમાળ હટાવીને શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કાટમાળ હેઠળ દટાઇ જતા શ્રમિક સોનુંસિંઘ રજતસિંઘ ઠાકોરનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય શ્રમિકો સોનુંસિંઘ સુભાષસિંઘ ઠાકોર, સુરજીત યાદવ, દોલત ગોપાલ સિંઘને ઇજા પહોંચતા આ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઉપરકોટમાં રીનોવેશન દરમિયાન ઘુમ્મટ બનાવતી વેળાએ શ્રમિકો જ્યારે ઘુમ્મટ ઉપર હતા ત્યારે આ ઘટના બનતા એકનું મોત થવાથી શ્રમિકોમાં અરેરાટી મચી ગઇ છે.