જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયદ્વારા શિક્ષાપત્રી જ્યંતિની ઉજવણી

શિક્ષાપત્રી લખાયાને આજે ૧૯૬ વર્ષ થયા : વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી

જૂનાગઢ : સ્વામિનારાયણ સંપ્રદાય જૂનાગઢ દ્વારા આજે શિક્ષાપત્રી જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હોવાનું અને શિક્ષાપત્રી લખાયાને આજે ૧૯૬ વર્ષ થયા હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયના જે.પી.સ્વામીએ જણાવ્યું હતું.

આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી લખાયાને૧૯૬ વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવનાથ તળેટીમાં નારાયણ ધરા ખાતે વિશેષ પૂજન અર્ચન સાથે શિક્ષાપત્રી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાધુ,સંતો, અને ભકતગણો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના જયપ્રકાશ સ્વામીએ જૂનાગઢ લોકલ મીડિયા અપડેટને જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણનો જૂનાગઢ સાથે પુરાણો નાતો રહ્યો છે. પરમપૂજ્ય ગુણાતીત સ્વામીજી અને ગોપાળાનંદ સ્વામીએ અહીં વિચરણ કર્યું છે સાથે જ ભવનાથ તળેટીમાં નારાયણ ધરામાં ભગવાને સ્નાન કર્યું હોવાનું પણ ઉમેર્યું હતું.

નોંધનીય છે કે વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હોય આજે સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા નારાયણ ધરા ખાતે શિક્ષાપત્રીનું પૂજન કરીને વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી.