જૂનાગઢમાં ખાખડી કેરીનું આગમન : 80 રૂપિયે 100 ગ્રામ

શહેરની માર્કેટમાં કાચી કેરી જોવા મળતા કેરીના શોખીનો આનંદિત

જૂનાગઢ : કેસર કેરીનો ગઢ ગણાતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ખાખડી કેરી ઉતરવા માંડતા જૂનાગઢ શહેરમાં કાચી કેરી વેચવા લાગી છે. હાલમાં સીઝનની શરૂઆત જ થઈ હોવાથી રૂપિયા 60થી 80 સુધી પ્રતિ 100 ગ્રામના ભાવે ખાખડી એટલે કે કાચી કેરી વેચાઈ રહી છે.

કેસર કેરી માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે પાકી કેરી શરૂ થવા પૂર્વે જૂનાગઢની માર્કેટ ખાખડી કેરીનું રુમઝુમ આગમન થઈ ચૂક્યું છે. હાલમાં નાની અને મોટી એમ બે સાઈઝની ખાખડી કેરી બજારમાં જોવા મળે છે અને રૂપિયા 600થી 800 પ્રતિકિલો ગ્રામના ભાવે સ્વાદ શોખીનો હોંશે-હોંશે ખાખડી કેરી સંભારા-રાયતા માટે ખરીદી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓણસાલ ગીર પંથકમાં માવઠું કહેર બનીને વારંવાર ત્રાટક્યું હોવાથી કેસર કેરીની સીઝનમાં પણ ઉંચા ભાવ રહેવાની અને પ્રમાણમાં ઉતારા ઓછા ઉતરે તેમ હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.