માંગરોળમાં માનવભક્ષી દીપડો ત્રાટક્યો, ખેડૂતને લોહીલુહાણ કરી નાખ્યા

વાડીએ કામ કરતી વખતે ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હુસેનાબાદ સારણવીડીમા આજે માનવભક્ષી દીપડો ત્રાટક્યો હતો. જેમાં વાડીએ કામ કરતા ખેડુત પર દીપડાએ હુમલો કરીને લોહીલુહાણ કરો દીધા હતા. આ બનાવ બાદ ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના હુસેનાબાદ સારણવીડીમા ૫૦ વર્ષીય અયુબ ઈબ્રાહીમ જડા નામના ખેડૂત આજે પોતાની વાડી એ કામ કરતા હતા. ત્યારે વાડીમાં અચાનક દીપડો ઘસી આવ્યો હતો અને ખેડૂત કઈ સમજે એ પહેલાં દીપડાએ તેમના ઉપર જોરદાર પ્રહાર કરી દીધો હતો. દીપડાના હુમલાથી ખેડૂત લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં હાકલા પડકારા કરતા દીપડો ભાગી નીકળો હતો.બાદમાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતને માંગરોળ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. દીપડાના આંતકથી ગામલોકોમાં ફફડાટ મચી ગયો છે.