આજે વર્લ્ડ કેન્સર ડે : જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 1500 દર્દીઓને તપાસાયા

સિવિલ હોસ્પિટલમાં કેન્સર વોર્ડમાં ૩૦૦ જેટલા દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી

જૂનાગઢ : 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકો કેન્સરનો શબ્દ સાંભળીને જ ગભરાય જાય છે. પરંતુ કેન્સરથી ગભરાવાને બદલે તેમની યોગ્ય સારવાર લેવામાં આવે તો તેની સામેનો જીંદગીનો જંગ જીતી શકાય છે. કેન્સરની સારવાર મોંઘીદાટ છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષને બે માસના સમય ગાળામાં જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના 1500 જેટલા દર્દીઓને તપાસી 300 જેટલા દર્દીઓને કેમોથેરાપીની સારવાર અપાઈ ચુકી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ડો.અજય પરમાર જણાવે છે કે, છેલ્લા ૧ વર્ષ ૨ માસથી કેન્સરના દર્દીઓને કિમોથેરાપીની સારવાર સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને રાજકોટ જિલ્લા સહિતના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની કિમોથેરાપીની સારવાર સાથે માર્ગદર્શન આપતા ડો.અજય પરમારે જણાવ્યું હતું કે, કેન્સર એટલે કેન્સલ નથી. લોકો કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે. પરંતુ તેની યોગ્ય સારવાર લેવામાં આવે તો કેન્સરમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઇ શકીએ છીએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવિલમાં દર્દીઓને પેલીએટીવ કેર એટલે કે સુશ્રૃષા સારવાર જેમકે, એવી સારવાર કે જેમાં દર્દીને કેન્સરથી થતી તકલીફ, દુ:ખાવાને લીધે પગમાં સોજા, પેટમાં પાણી ભરાવવું, કેન્સરની જગ્યાએ ઇન્ફેક્શન, રસીની તકલીફ સહિતની સારવાર તથા દર્દીને કેન્સરને લગતી તમામ સલાહ, માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં આવતા દર્દી સાથેના સગાઓને પણ માર્ગદર્શન આપવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧ વર્ષ ૨ માસથી કાર્યરત કેન્સર વોર્ડમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ દર્દીઓની ઓપીડી નોંધાઇ છે તેમજ ૩૦૦ જેટલા દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે.

જૂનાગઢ સિવિલમાં જ કિમોથેરાપીની સારવાર મળતા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ અને મુંબઇ સહિતના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. આ દર્દીઓને સારવાર લેવા માટે અમદાવાદ, વડોદરા, સુરતના ધક્કા થતા હતા. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કિમોથેરાપીની સારવાર શરૂ થતા દર્દીઓને દૂરના શહેરના ધક્કામાંથી રાહત મળી છે અને કિમોથેરાપીની સારવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ મળી જાય છે.