રાજકોટની જીન્નત સહિતની ટોળકીએ વધુ એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવ્યા

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા હનીટ્રેપ કાંડમાં પકડાયેલા મહિલા સહિત ત્રણ આરોપીઓની સઘન તપાસમાં વધુ એક કારનામા બહાર આવ્યા, રાજકોટના યુવકને જૂનાગઢ બોલાવી અન્ય સ્ત્રી સાથે પરિચય કરાવ્યા બાદ ખેલ પાડી દીધો, રાજકોટની જીન્નત સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં થોડા દિવસો પહેલા જ એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવા અપહરણ કર્યાનું સામે આવતા પોલીસે તત્કાળ કાર્યવાહી કરી આ કાંડમાં જવાબદાર રાજકોટની જિનન્ત સહિત ત્રણને ઝડપી લીધા બાદ સઘન તપાસ કરતા આ ટોળકીની વધુ એક કરતૂત બહાર આવી છે. જેમાં ડિસેમ્બર મહિનામાં રાજકોટને યુવકને આ ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી જૂનાગઢ બોલાવીને અન્ય સ્ત્રી સાથે સબધો બાંધવા માટેની મધલાળ આપી ખેલ પાડી દીધો હતો અને યુવકને દમ દાટી આપી 1 લાખ પડાવી લીધા હતા. આ બનાવ બહાર આવતા પોલીસે યુવકની ફરિયાદ પરથી બે મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રસીકભાઈ ગાંડુભાઈ ડોબરીયા (ઉ.વ.૩૮ રહે.અક્ષરજ્ઞાતી કોમ્પ્લેક્ષની પાછળની શેરી માધવ રેસીડેન્સી-૬ પ્લોટ નં-૩૭ રાજકોટ) એ આરોપીઓ વિહાભાઇને ભરવાડ (રહે.રાજકોટ), જીનતબેન ઉર્ફે બીબીબેન અલ્લારખાભાઇ મોરવાડીયા ઘાંચી (રહે. જસદણ હાલ રાજકોટ ભગવતીપરા), અરવીંદ ઉર્ફે અનીલ અંબાભાઇ ગજેરા (રહે.લાખાપાદર જી.અમરેલી) તથા એક અજાણી સ્ત્રી સામે ગત તા.૮/૧૨/૨૧ ના રોજ હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ કરી અને જે કાવતરાના ભાગ રૂપે આરોપી વીહાભાઇ ભરવાડએ ફરીયાદીને આરોપી જીનતબેનના મોબાઇલ નંબર આપી અને ફરીને તેની સાથે વાત કરાવી અને આરોપી જીનતબેનએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ અને મળવા સારૂ જુનાગઢ બોલાવ્યો હતો. ત્યારે ફરીયાદી તથા સાહેદ જુનાગઢ આવતા આરોપી જીનતબેન તથા તેની સાથેની આરોપી સ્ત્રીએ તથા આરોપી વિહતભાઇ ભરવાડએ ફરીયાદીને તથા સાહેદને મધુરમ વિસ્તારમાં આવેલ ફલેટએ લઇ જઇ અને ત્યાં આરોપી અરવીંદભાઇ ઉર્ફે અનીલભાઇ અંબાભાઇ આવી અને પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપી ફરીયાદી તથા સાહેદને ભુંડીગાળો આપી પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ માર મારી અને બળાત્કારના ખોટા ગુન્હામાં ફીટ કરાવવી દેવાની તેમજ ફરીયાદીને બદનામ કરાવાની ધમકી આપી ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી આરોપી વીહોતભાઇ ભરવાડએ ગુગુલ પે મારફત તેમના બેંક એકાઉન્ટમાં રૂ. ૯૦,૦૦૦ બળજબરી પૂર્વક ટ્રાન્સફર કરી તેમજ ફરીયાદી પાસે રહેલ રોકડ રૂ. ૧૦,૦૦૦ લઇને જે કુલ રૂપીયા ૧,૦૦,૦૦૦ બળજબરીથી કઢાવી લઇ તમામે ફરીયાદી સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.