જૂનાગઢની વર્ષોજૂની સમસ્યા ઉકેલવા મનપાની નવનિયુક્ત બોડી મેદાને

મનપાના મેયર સહિતના હોદેદારોની નિયુક્તિ બાદ આગામી વિકાસ કાર્યોના આયોજન માટે પદાધિકારીઓ અને અધિકારીઓની મીટીંગ મળી

વર્ષોજુના પાર્કિગ, કચરા તેમજ હાલમાં ચાલતા કામો યોગ્ય રીતે કરવાની અધિકારીઓને તાકીદ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિતની નવી બોડીની તાજેતરમાં રચના થયા બાદ આગામી વિકાસકાર્યો માટે મનપાના નવી બોડીના પદાધિકારીઓ અને અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં જૂનાગઢની વર્ષોજૂની સમસ્યા ઉકેલવા મનપાની નવનિયુક્ત બોડી મેદાને આવી છે અને વર્ષોજુના પાર્કિગ, કચરા તેમજ હાલમાં ચાલતા કામો યોગ્ય રીતે કરવાની અધિકારીઓને તાકીદ કરાઈ છે.

જુનાગઢ મહાનગર પાલિકાના મેયર પદાધિકારીઓની તાજેતરમાંમાં નિયુક્તિ થયા બાદ આજે જૂનાગઢના આગામી કામોના નક્કર આયોજન સંદર્ભે પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની યોજાયેલી મીટીંગમાં અધિકારીઓને નવનિયુક્ત ટીમ દ્વારા શહેરમાં હાલ ચાલતા વિવિધ કામો યોગ્ય રીતે અને લોકોને પડતી તમામ અસુધીઓ નિવારવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મીટીંગમાં મહાનગરપાલિકાના નવનિયુકત મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, કમિશ્નર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર સહિતના પદાધિકારીઓએ બેઠક બાદ મીડિયા સાથેની પ્રશ્નોતરીમાં જણાવ્યું હતું કે, શહેરમાં જે કામો ચાલી રહ્યા હોય તેને યોગ્ય રીતે કરવા તેમજ જે કામ ગતિમાં ન હોય તેમજ જે મહત્વના કામો પેન્ડિગ હોય તેને ઝડપથી પુરા કરવા આ ઉપરાંત વર્ષોજુની ભૂગર્ભ ગટર, શોચાલયો અને શીરદર્દ બનેલા પાર્કિગના પ્રશ્ને અને કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા સઘન પ્રયાસો કરાશે. તેમ જણાવ્યું હતું.