છેડતી કરતા લપંટ યુવાનની સરાજાહેર ધોલાઈ કરતી મહિલા

જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં મહિલાની છેડતીની ઘટના સીસીટીવીમાં કેદ

અગાઉ પણ છેડતીના બનાવો બન્યા હોવાથી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓની માંગ

જૂનાગઢ :જૂનાગઢના માંગનાથ બજાર વિસ્તારમાં આજે એક લંપટ યુવાને સરાજાહેર એક મહિલાની છેડતી કરી હતી. આથી આ મહિલા રીતસરની રણચડી બનીને લપંટ યુવાનની જાહેરમાં ધોલાઈ કરીને બરાબરનો સબક શીખવાડયો હતો. જો કે માંગનાથ વિસ્તારમાં મહિલાની છેડતીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના માંગનાથ વિસ્તારમાં આજે લંફગા યુવકે મહિલા સાથે ભટકાઇ છેડતી કરી હતી. આથી મહિલાએ જાતે જ આ યુવકને આડેહાથ લઈને જાહેરમાં બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.જાહેરમાં ધોલાઈ થતા યુવાનને પણ પોતાની શરમજનક કરતૂતનું ભાન થયું હતું. જો કે આ મહિલાએ જાહેરમાં બધાની વચ્ચે યુવાનને બીજી વખત આવું દુસાહસ ન કરે તેવો સબક શીખવાડયો હતો.

મહિલાની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આસપાસના વેપારીઓના જણાવ્યા મુજબ માંગનાથ વિસ્તારમાં રોજ આવી ઘટનાઓ બને છે અને બે દિવસ પહેલાં પણ મહિલાઓએ મહિલા ચોરને મેથીપાક ચખાડ્યો હતો. આથી વધુ એક ઘટનાથી બજારોમાં મહિલાઓની સલામતી માટે વેધક સવાલ ઉઠ્યા છે. ત્યારે મહિલાઓ સાથે આવી અનિચ્છનીય ઘટનાઓ નિવારવા માટે માંગનાથ વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ રાખવા વેપારીઓએ માંગ ઉઠાવી છે.