જૂનાગઢ માંગનાથ બજારમાં મહિલા મોબાઈલ ચોર ઝડપાઇ : મહિલાઓએ મેથીપાક ચખાડ્યો

સ્થાનિક નાગરિકોએ મહિલાને ઝડપી લીધી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

જૂનાગઢ : જૂનાગઢની મુખ્ય બજાર ગણાતા માંગનાથ વિસ્તારમાં ભીડ ભાડનો લાભ લઇ અવાર નવાર ચિલ ઝડપ અને પાકિટ તફડંચીના બનાવો બને છે ત્યારે આજે એક મહિલાનો મોબાઈલ ચોરવાની ઘટના સામે આવી હતી. જો કે, સ્થાનિક નાગરિકોએ મહિલા મોબાઈલ ચોરને રંગે હાથ ઝડપી લઈ સારી પેઠે મેથીપાક આપ્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

જુનાગઢ માંગનાથની બજારમાં અવાર નવાર ચોરીની ઘટના બને છે ત્યારે આજે એક મહિલાની નજર ચૂકવી અન્ય મહિલાએ મોબાઇલ ચોરી કરી લીધો હતો. જો કે જાગૃત નાગરિકોની નજર પડતા જ આ મહિલા મોબાઈલ ચોરને સ્થળ પર જ પકડી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શાતીર દિમાગ મહિલા ચોરે ખરીદીમાં વ્યસ્ત મહિલાના પાકીટમાંથી મોબાઇલ ચોરી કરી ફરાર થવાની વેતરણમાં જ હતી ત્યાં જ ભાંડો ફૂટી જતા સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને મહિલા ચોરને સ્થળ પર જ મેથીપાક આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ થઈ જવા પામી હતી.