બલિયાવડ પાસે ડેમની બાજુમાં ખનીજ ચોરી કરનાર ભુમાફિયા ઉપર સપાટો

રેવન્યુ ક્વીક રીસ્પોન્સ ટીમ દ્વારા દરોડા પાડી જેસીબી ,ડમ્પર સહિતના વાહનો જપ્ત કરાયા

જૂનાગઢ : જૂનાગઢ સબ ડિવીઝન વિસ્તાર હેઠળ બલિયાવડ પાસે ડેમની બાજુમાં અનઅધિકૃત રીતે માટી ખોદકામ કરતા અજાણ્યા ઇસમોને રેવન્યુ ક્વીક રીસ્પોન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રેવન્યુ ક્વીક રીસ્પોન્સ ટીમ દ્વારા દરોડા પાડી જેસીબી, ડમ્પર સહિતના વાહનો જપ્ત કરાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં ભૂમાફિયાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે આવેલ ડેમ સાઇટની અંદરની બાજુએ બિન અધિકૃત રીતે અજાણ્યા ઇસમો દ્વારા માટી ખોદકામ કરી, માટી ચોરી કરતા હોવાની જાણકારી મળતા કલેક્ટર રચિત રાજની સૂચના તથા મદદનીશ કલેક્ટરશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ ગુપ્ત રાહે જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર તન્વી ત્રિવેદીને આ બાબતેની તપાસ કરી ટીમ બનાવી ભૂમાફિયાઓને રંગે હાથે પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

મામલતદાર કચેરી, જૂનાગઢ ગ્રામ્યના સર્કલ ઓફિસરશ્રી તેમજ રેવન્યુ તલાટી તથા અન્ય સ્ટાફની ક્વીક રીસ્પોન્સ ટીમ બનાવી ખાનગી વાહનમાં ગુપ્ત રીતે જૂનાગઢ સબ ડિવીઝનના બલિયાવડ ગામે રેડ પાડવામાં આવી હતી. જેમાં ડેમ સાઇટની અંદરની બાજુ પાળાની પાસેથી અનઅધિકૃત ખોદકામ કરતા ૧ જેસીબી અને ૪ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ, જૂનાગઢ તથા પોલીસ વિભાગને ઝડપાયેલ વાહનો, મુદ્દામાલ સોંપવામાં આવેલ છે.

હાલ આ જગ્યાએથી કેટલુ ખોદકામ થયેલ છે જેની ખાણખનીજ વિભાગ, જૂનાગઢના સર્વેયર દ્વારા માપણી કરાવી તે મુજબની શિક્ષાત્મક, દંડાત્મક કાર્યવાહી હાથ ધરેલ છે તેમ મદદનીશ કલેક્ટર, જૂનાગઢ અંકિત પન્નુની યાદીમાં જણાવાયું છે.