જૂનાગઢ મહાનગર પાલિકામાં મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો

અનુસૂચિત જ્ઞાતિના પાંચ સભ્યોએ સામુહિક રાજીનામાં ધરી દેવાનું જાહેર કરતા ભાજપમાં સોપો

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકામાં ગઈકાલે સામાન્ય સભામાં મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ થતા જ શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં આંતરિક વિવાદ વકરીને સપાટી ઉપર આવી ગયો છે. આજે મેયર પદને લઈ અનુસૂચિત જ્ઞાતિના પાંચ સભ્યોએ તમામ પદ ઉપરથી રાજીનામું આપવા જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.જો કે ભાજપના મોવડી મંડળ દ્વારા નારાજ સભ્યોને મનાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ મહાનગર પાલિકાના અંતિમ અઢી વર્ષની મુદ્દત માટે ગઈકાલે મળેલ સામાન્ય સભામાં ગીતાબેન પરમારનું નામ જાહેર થતા જ મેયર પદના દાવેદાર ગણાતા બ્રીજીશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડાએ રાજીનામાં આપવા નીર્ધાર કરી ભાજપના તમામ પદ ઉપરથી રાજીનામુ આપવા જાહેર કર્યું છે.

જૂનાગઢ મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો થતા પાંચ નગરસેવકોએ તમામ પદો ઉપરથી રાજીનામા આપવાનું નક્કી કરી મહાનગર પાલિકા કચેરીએ પહોંચી ગયા છે. ખાસ કરીને વાલ્મિકી સમાજમાંથી આવતા ગીતાબેન પરમારને મેયર બનાવતા વિવાદ સર્જાયો છે.અનુસૂચિત જ્ઞાતિ સમાજના ચૂંટાયેલા નગર સેવકોએ મેયર પદ તેમને જ મળવું જોઈએ તેવું સ્પષ્ટ કરી વિશાળ હિતમાં અને આગામી 2022ની વિધાનસભા ચૂંટણી ધ્યાને લઇ મેયર પદ માટે માંગ ઉઠાવી છે.

જૂનાગઢ મહાનગર પાલિકામાં આજે નવા હોદેદારો પદભાર સંભાળી રહ્યા છે તેવા સમયે જ બ્રીજીશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડા રાજીનામા સાથે મહાનગર પાલિકા પહોંચતા ભાજપ મોવડી મંડળ પણ દ્વિધામાં મુકાયું છે અને હાલમાં નારાજ સભ્યોને મનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.