જૂનાગઢમાં પેપરલીક કૌભાંડના વિરોધમાં ‘આપે’ અસિત વોરાનું સરઘસ કાઢ્યું

આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ એલઆરડીની પરીક્ષામાં પેપર લીક કૌભાંડ મુદ્દે નવતર વિરોધ દર્શાવ્યો અને અસિત વોરા હાય-હાયની નારેબાજી લગાવી રાજીનામાની ઉગ્ર માંગ કરી

જૂનાગઢ : જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે એલઆરડીની પરીક્ષામાં પેપરલીક કાંડના વિરોધમાં નવતર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં એક કાર્યકરને પેપરલીક કાંડના જવાબદાર અસિત વોરાનું મહોરું પહેરાવી હાથ બાંધીને શહેરભરમાં તેમનું સરઘસ ફેરવ્યું હતું. તેમજ અસિત વોરા હાય-હાયની નારેબાજી લગાવી રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી.

જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ એલઆરડી પેરિક્ષામાં થયેલ પેપરલીક કાંડ મામલે આજે નવતર વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના કાળવા ચોક પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. “આપ’ના એક કાર્યકરને અસિત વોરાનું મહોરું પહેરાવી તેના હાથ બાંધીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને કાર્યકરોએ અસિત વોરા હાય હાયની નારેબાજી લગાવી હતી અને તેમના રાજીનામાંની ઉગ્ર માંગ કરી હતી. સામાછેડે અસિત વોરા બનેલા કાર્યકરે હું રાજીનામુ નહિ આપું તેવું કહીને આ જવાબદારની બેજવાબદારીને ખુલ્લી પાડી હતી.

આપ યુથ વિંગના પ્રમુખ કૃણાલ સોલંકીએ આ અંગે ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અસિત વીરા એલઆરડીની ભરતી પરીક્ષાનો મુખ્ય કૌભાંડી છે. તેણે એલઆરડી બનવા માંગતા હજારો યુવાનોના સ્વપ્ના ચકનાચૂર કરી દીધા છે. આથી આ કૌભાંડકારીને સરકાર પદભષ્ટ કરે તે માટે આજે નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ કૌભાંડકારીને સરકાર શુ કામ છાવરે છે ? શુ કામ એને પદભષ્ટ કરતી નથી ? તેવા વેધક સવાલો સાથે જ્યાં સુધી અસિત વોરાને પદભષ્ટ ન કરાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.