અંબાજી મંદિરના દ્વાર ભાવિકો માટે કાલે મંગળવારથી ખુલશે

કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરીને દર્શન શરૂ કરવામાં આવશે : 18 વર્ષથી ઉપરના દર્શનાર્થીઓ માટે ઓનલાઈન બુકિંગ ફરજિયાત

જૂનાગઢ : કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અંબાજી મંદિર, ગબ્બર મંદિર તથા પેટા મંદિરોમાં આગામી તારીખ 31મી જાન્યુઆરી સુધી દર્શન બંધ રાખવા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. અને અંબાજી મંદિરના દ્વાર ભાવિકો માટે કાલે મંગળવારથી ખુલશે.

ગુજરાત સરકારના વિવિધ નિયંત્રણો તારીખ 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક કાર્યક્રમો,જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળે ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ એકત્રિત થઈ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જેથી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તારીખ 1 ફેબ્રુઆરી 2022 ને મંગળવારથી કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરીને દર્શન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે 7-30 થી 11-30 સુધીનો, બપોરે 12-30 થી 4-15 સુધીનો તેમજ સાંજે 7-00 થી 9-00 કલાક દરમિયાન દર્શન કરી શકાશે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિએ બન્ને ડોઝ લીધેલા હશે તો જ દર્શન માટે પ્રવેશ મળશે. તેમજ માસ્ક પણ ફરજિયાત પહેરવાનું રહેશે.