ખેતરમાં પાણી ઘુસી જવા મામલે પરિણીતા ઉપર નિર્લજ્જ હુમલો

ભેસાણના બામણગઢ ગામની પીપળા વાડી વિસ્તારની ઘટના મામલે પરિણીતા ઉપરાંત તેના પતિ ઉપર પણ પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ભેસાણના બામણગઢ ગામની પીપળા વાડી વિસ્તારમાં એક ખેતરનું પાણી બીજા ખેતરમાં ઘુસી જવા મામલે પાડોશી ખેતરના માલિક મળી પાંચ શખ્સોએ પરિણીતા ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરિણીતા ઉપરાંત તેના પતિ ઉપર પણ પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઇ નારણભાઇ સતાસીયા (ઉ.વ.૩૮ રહે.બામણગઢ, નવા પ્લોટમાં પટેલ સમાજની સામે તા.ભેસાણ જી.જુનાગઢ) એ આરોપીઓ નંદાભાઇ ઠુંમર, રમણીકભાઇ ઠુંમર, પ્રભુદાસભાઇ ઠુંમર, મુકેશભાઇ ઠુંમર, પ્રવિણભાઇ ઠુંમર (રહે. બધા બામણગઢ તા.ભેસાણ) સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તા.૩૦ના રોજ બામણગઢ ગામની પીપળા વાળી સીમમાં ફરીયાદીના ખેતરનુ પાણી આરોપીના ખેતરમાં જતા ફરીયાદી તેમના ખેતરમાં કામ કરતા હોય ત્યારે એક આરોપી ત્યાં જઇ ગાળાગાળી કરી આરોપીઓએ લોખંડના પાઇપથી ફરીયાદીને જમણા ગાલ પર અને વાસામાં મારી તેમજ ફરીયાદીના પત્નીને જાપટ માંરી પછાડી દેતા એક આરોપીએ તેની માથે ચઢીને છાતીના ભાગે વીચકા ભરી કપડા ફાડી નાખી જાહેરમાં છેડતી કરી અને ફરીયાદીના ભાઇને આરોપીઓએ લાકડી મારી અને અન્ય આરોપીઓ થોડી વાર પછી આવી ઉપરોકત ત્રણેયને ઉશ્કેરણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.