કોરોના નાથવા જૂનાગઢ કલેકટર મેદાને ! ઓપીડી – ટેસ્ટિંગ વધારવા આદેશ

રિવ્યુ બેઠકમાં પ્રિકોશન ડોઝની કામગીરી પણ વેગવાન બનાવવા આરોગ્ય વિભાગને ટકોર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં વકરેલા કોરોનાને નાથવા જિલ્લા કલેકટરે ઓપીડી અને ટેસ્ટિંગ વધારવાની સાથે જિલ્લા પ્રિકોશન ડોઝની કામગીરીને વેગવાન બનાવવા રિવ્યુ બેઠકમાં આદેશ કર્યો હતો.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે કોવિડ કોર કમિટીની રિવ્યું બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા વેક્સીનેશન, કોરોના ટેસ્ટીંગ, ધનવન્તરી ઓપીડી સહિતની કામગીરી અંગે માહિતી મેળવી આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલ કોવિડ કોર કમિટીની રિવ્યું બેઠકમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ, ધનવન્તરી ઓપીડી સહિતની કામગીરી અંગે માહિતી મેળવી હતી અને કોરોનાને કાબુમાં લેવા ટેસ્ટીંગ, ઓપીડી વધારવા આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉપરાંત કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપાય વેક્સીનેશન હોય તે માટે જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ વેક્સીનેશન થાય જે લોકોએ વેક્સીનના બન્ને ડોઝ લઇ લીધા હોય અને ૯ મહિના પૂર્ણ થયા હોય તેમને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીમાં વધારવા સૂચના આપવામાં આવી હતી.

આ રિવ્યું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, આસિસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુ, હનુલ ચૌધરી, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.સુશિલ કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, મ્યુ. મેડિકલ ઓફિસર ડો.રવિ ડેડાણિયા, ડીઆરડીએ નિયામક જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.