5 નેત્રહીન, કોરોનાના માતા-પિતા ગુમાવનાર 4 સહિત 25 દીકરીઓને પરણાવી સાસરે વળાવી

ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 36માં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સંપન્ન, દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને 151 ઘરવખરીની ચીજવસ્તુઓ કરિયાવરરૂપે અપાઈ

જૂનાગઢ : જુનાગઢના ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી જુદીજુદી સંસ્થાઓમાં આશ્રય લેતી નેત્રહીન તેમજ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા પરિવારની અને આર્થિક રીતે સામાન્ય પરિવારની પુત્રીઓનો ઘરસંસાર વસે એ માટે નાતજાતના બંધનથી ઉપર ઉઠીને સમૂહલગ્ન કરવાનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળે આજે 36માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં 5 નેત્રહીન, કોરોનાના માતા-પિતા ગુમાવનાર 4 સહિત 25 દીકરીઓને પરણાવી સાસરે વળાવી હતી.

જૂનાગઢના ભવનાથના સનાતન ધર્મશાળા ખાતે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 36માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ વાજાએ જણાવ્યું હતું કે, સરકારની કોરોનાની ગાઈડલાઈનના ચુસ્તપણે અમલ સાથે આજે 36માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરીને 5 નેત્રહીન, કોરોનાના માતા-પિતા ગુમાવનાર 4 સહિત 25 દીકરીઓને પરણાવી સાસરે વળાવી હતી.

આ સમૂહલગ્નમાં નાતજાતના બંધનથી ઉપર ઉઠીને માત્ર જરૂરિયાતમંદ દીકરીઓનો ઘરસંસાર વસે એ જ હેતુને કેન્દ્રસ્થાને રાખીને આ સમહુલગ્ન ઉમદા રીતે પાર પાડવામાં આવ્યા હતા. જે 25 દીકરીઓના લગ્ન કરાયા તેમાં બે નેત્રહીન દીકરીઓ મુસ્લિમ હતી. આથી કોમી એકતાની મિશાલ કાયમ કરીને બે બન્ને દીકરીઓએ મુસ્લિમ રીતરિવાજો અનુસાર નિકાહ પઢીને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સંસ્થાના કાર્યથી દીકરીઓ ગદગદીત થઈ ગઈ હતી. જો કે આ સમૂહલગ્નમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય એ મુજબ 100 લોકોને હાજર રાખી અલગ અલગ જગ્યાએ લગ્ન કરવામાં આવ્યા હતા. તેમજ દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરરૂપે 151 જેટલી ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.