ઇન્સ્ટાગ્રામ ઉપર કોમી વૈમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ મુકનાર વંથલીનો યુવાન ઝડપાયો

જાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરનાર વિરુદ્ધ આકરા પગલાં લેવાશે : સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસની બાજ નજર

જૂનાગઢ : ધંધુકાના કિશન ભરવાડ નામના યુવાનની હત્યા બાદ જૂનાગઢ જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું કૃત્ય કરનાર વંથલીના યુવાનને જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. આ સાથે જ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ નાગરિકોને સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ ન મુકવા તાકીદ કરી પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બાજ નજર રાખી રહી હોવાનું સ્પષ્ટ પણે જાહેર કર્યું છે.

ગઈકાલ તા.29 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી અમદાવાદ જીલ્લાના ધંધુકાના કિશન ભરવાડ નામના વ્યક્તિના હત્યાના બનાવને અનુલક્ષીને ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા વંથલીના યુવાને હિન્દુ અને મુસ્લીમ સમાજ વચ્ચે વૈમનસ્ય (દુશ્મનાવટ) ફેલાય તે હેતુથી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર ધમકી ભરી પોસ્ટ જાણી જોઈને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કરી ધમકી ભરી પોસ્ટ મુકી વૈમનસ્ય (દુશ્મનાવટ) ફેલાવવવાનો પ્રયત્ન કરેલ હોય જે અનુસંધાને વંથલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત ગુનાના કામે જુનાગઢ રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંધ પવાર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ સેટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના તથા સર્કલ પોલીસ ઈન્સ. ડી.જે.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપયોગ કરનાર વંથલી ખાટકીવાડા, ગબલફળીમાં રહેતા અરાફત અજીમભાઈ ડામર નાગોરી ઉ.20ને તાત્કાલીક વંથલી ટાઉન વિસ્તારમાંથી પકડી લેવામા આવેલ છે.

વધુમાં જૂનાગઢ પોલીસ દ્વારા પ્રજાજોગ જાહેર સંદેશો આપી સ્પષ્ટ કરાયું છે કે જો કોઈપણ વ્યકતિઓ પોતાના ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે અન્ય સોશીયલ મીડીયા મારફતે કોઈપણ બે કોમ વચ્ચે વૈમન્ય (દુશ્મનાવટ) ફેલાય તે હેતુથી ધમકી ભરી પોસ્ટ મુકી સુલેહશાંતિનો ભંગ કરવાના હેતુથી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકશે તો તે તમામ વિરૂધ્ધમા ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે

આ સફળ કામગીરી સર્કલ પીઆઇ ડી.જે.ઝાલા, વંથલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.જી.બડવા, પો.હેડ કોન્સ. બી.એન.પરમાર, પી.એસ.ઠાકર, પો.કોન્સ. અરૂણભાઈ મહેતા, સુમીતભાઈ રાઠોડ તથા કરણસિંહ ભલગરીયા સહિતના સ્ટાફે કરી હતી.