જૂનાગઢમાં આવારા તત્વો ફાટીને ધુમાડે ગયા : વગર વાંકે બે યુવકોને લમધાર્યા

જૂનાગઢના તળાવ દરવાજા પાસે એકલ્વ્ય કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક બહાર કાઢતી વખતે બાઈક અડયું ન હોવા છતાં આવારા તત્વોએ સરાજાહેર આંતક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, સાત શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢમાં આવારા તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તેમ વગર વાંકે બે યુવકોને લમધારીને આતંક મચાવ્યો હતો.જેમાં જૂનાગઢના તળાવ દરવાજા પાસે એકલ્વ્ય કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક બહાર કાઢતી વખતે બાઈક અડયું ન હોવા છતાં આવારા તત્વોએ બે યુવકો ઉપર સરાજાહેર હુમલો કરીને અશાંતિનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસે સાત શખ્સો સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢના તળાવ દરવાજા પાસેના એકલ્વ્ય કોમ્પલેક્ષના પાર્કિંગમા ગઈકાલે આવારા તત્વોની ટોળી બે યુવકો ઉપર તૂટી પડી હતી.જેમાં એક યુવક પાર્કિંગમાથી બાઈક બહાર કાઢતો હોય ત્યારે બાઈક અડયું ન હોવા છતાં એક લુખ્ખાએ હંગામો મચાવી તેની અન્ય ટોળકીને બોલાવીને બે યુવકોને સરાજાહેર માર માર્યો હતો. આ બનાવ અંગે એક યુવક રામભાઇ નારણભાઇ ભારાઇ (ઉવ ૨૪ રહે ગામ પીપલાણા તા.માણાવદર જી.જુનાગઢ) એ આરોપીઓ અયાન, ડેનીશ તથા અજાણ્યા પાંચ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા તેનો મિત્ર રવિભાઇ બન્ને પોતાની બાઈક ગઈકાલે તળાવ દરવાજા પાસેના એકલ્વ્ય કોમ્પલેક્ષના પાર્કીંગમાંથી બહાર કાઢતા હતા. તે દરમ્યાન બે આરોપીઓની બાજુમાંથી નીકળ્યા હોય પણ બાઈક અડયું ન હોવા છતાં બન્ને આરોપીઓ એ ફરીયાદી તથા તેના મિત્રને ગાળો કાઢી ઝઘડો કરી ફરીયાદીએ ઝઘડો કરવાની ના પાડતા બન્ને આરોપીઓએ અન્ય પાંચ માણસોને ફોન કરી બોલાવી સાતેય આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી તથા મિત્ર રવિભાઇને શરીરે આડેઘડ ઢીકાપાટુનો મુંઢ મારમારી શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.