જૂનાગઢમાં મેયર બનવા અડધો ડઝન દાવેદારો મેદાને

આવતીકાલે જનરલ બોર્ડમાં ભાગ્યશાળી દાવેદારનું નામ જાહેર થશે

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકાના વર્તમાન મેયરની મુદત પૂર્ણ થતાં આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં નવા મેયરની પસંદગી કરાશે. જો કે, જૂનાગઢના પ્રથમ નાગરિક બનવા ભારે થનગનાટ વચ્ચે છ દાવેદારો મેદાને હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

જૂનાગઢ મહાનગર પાલિકામાં વર્તમાન મેયરની મુદત પૂર્ણ થતા આવતીકાલે શાસકો દ્વારા નવા મેયરની પસંદગી માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. ટોચના સૂત્રોના મતે રોટેશન મુજબ એસસી સામાન્ય ઉમેદવાર માટે મેયર પદ અનામત હોય હાલમાં ગીતાબેન પરમાર, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, અશોકભાઈ ચાવડા, બ્રિજીશાબેન સોલંકી અને દિવાળીબેન પરમાર એમ કુલ મળી 6 દાવેદારો મેયરની હરીફાઈમાં છે.

જો કે સત્તાધારી પક્ષ દ્વારા આજે સંગઠન લેવલે નિર્ણય લેવાયા બાદ સર્વસંમતિથી આવતીકાલે જનરલ બોર્ડમાં સતાવાર નામની જાહેરાત કરવામાં આવશે. જો કે, હાલમાં દાવેદારો વચ્ચે મેયર બનવા ભારે ખેંચતાણ વચ્ચે પ્રદેશ કક્ષાએ લોબિંગ શરૂ કરાયું છે.