વિસાવદરના ધારાસભ્યના પુત્ર – ભાઈ ઉપર હુમલો કરનાર આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવતી કોર્ટ

ગુજસીટોકના આરોપીએ પત્નીની પ્રેગનેન્સીના કારણે વચગાળાના જામીન ઉપર છૂટવા કરી હતી અરજી : સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઇ જામીન અરજી નામંજુર

જૂનાગઢ : ગત સપ્ટેમ્બર માસમા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને ભાઈ ઉપર ખૂની હુમલો કરવાના કેસમાં જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલ પ્રથમ ગુજસીટોક હેઠળના ગુન્હામાં એક આરોપીએ પત્નીને પ્રેગનેન્સી હોવાથી 30 દિવસના વચગાળાના જામીન ઉપર છૂટવા અરજી કરતા એડિશનલ પીપી વી.એન.માઢકની ધારદાર દલીલોને ધ્યાને લઇ નામદાર અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કેસની વિગત જોઈએ તો ગત સપ્ટેમ્બર માસમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર, ભાઈ અને અન્ય યુવાનો ઉપર નવ શખ્સોએ ઘાતકી હુમલો કરતા નાસીર મેતર સહિતના પાંચ આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત જ વિસાવદર પોલીસે ગુજસીટોક એટલે કે ગુંડાધારા અંતર્ગત ગુન્હો નોંધી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

દરમિયાન આ કેસના આરોપી એવા નાસિર મેતરે પોતાની પત્નીને પ્રેગનેન્સી હોય 30 દિવસના જામીન ઉપર છૂટવા નામદાર વિસાવદર કોર્ટ સમક્ષ અરજી કરતા આરોપી અને બચાવપક્ષે ધારદાર દલીલો બાદ એડિશનલ પીપી વી.એન.માઢકની ધારદાર દલીલો ધ્યાને લઇ નામદાર અદાલતે આરોપીની વચગાળાની અરજી ફગાવી દીધી હતી.