જંગલના મહારાજા ભવનાથમાં ટહેલવા નીકળ્યા

ગતરાત્રીના પાંચ નાકા પુલથી અશોક શિલાલેખ તરફ જતો સિંહ કેમેરામાં કેદ

જૂનાગઢ : જંગલના મહારાજા ગઈકાલે અચાનક જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. મોડીરાત્રે પાંચ નાકા પુલથી અશોક શિલાલેખ તરફ જતા સિંહને કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગીર અભ્યારણને અડોઅડ આવેલા જૂનાગઢ શહેર નજીક જંગલના મહારાજા લટાર મારતા હોવાના અનેક બનાવ વચ્ચે ગતરાત્રીના ભવનાથ વિસ્તારમાં સિંહ પસાર થતા જોવા મળ્યો હતો. પાંચ નાકા પુલથી અશોક શિલાલેખ તરફ જતા માર્ગ ઉપર સિંહ મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડિયો શુક્રવારની મોડી રાત્રીના શૂટ કરાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહો જંગલ વિસ્તારમાંથી રોડ ક્રોસ કરી બીજી તરફ જવા ભવનાથ રોડનો સહારો લેતા હોય છે.

ભવનાથ રોડ ઉપર શાનથી પસાર થઈ રહેલા જંગલના રાજાજીને કારચાલકે કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વહેતો કરતા આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.