ભવનાથના શિવરાત્રીના મેળા માટે ઉતારા મંડળની રચના

ઇન્દ્રભારતી બાપુના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉતારા મંડળની રચના કરી લોકોને ફંડ ન આપવા અપીલ કરી

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં આગામી મહાશિવરાત્રીના મેળાના આયોજન માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે સરકાર તરફથી હજુ મજુંરી મળી નથી.ત્યારે ભવનાથના શિવરાત્રીના મેળા માટે ઉતારા મંડળની રચના કરવામાં આવી છે અને મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ સાધુ સમાજ દ્વારા આ ઉતારા મંડળની રચનાની વિધિવત ઘોષણા કરાશે.

જૂનાગઢના ભવનાથના વિશ્વવિખ્યાત શિવરાત્રી મેળાના અનુસંધાને જૂનાગઢ ગિરનાર સતમંડળના અધ્યક્ષ પૂ. ઇન્દ્રભારતી બાપુના અધ્યક્ષસ્થાને તાજેતરમાં સાધુ-સંતોની એક બેઠક મળી હતી. જેમાં ઉતારા મંડળની રચના કરવામાં આવી છે. સાધુ-સંતોની આ ઉતારા મંડળની કમિટી સરકાર સાથે સંકલનમાં રહીને કામ કરશે. મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ સાધુ સમાજ દ્વારા આ ઉતારા મંડળની રચનાની વિધિવત ઘોષણા કરાશે. આ તકે પૂ.બાપુએ ઉતારા મંડળના નામે કોઈને પણ ફંડ કે દાન ન આપવાની લોકોને અપીલ કરી છે.