દિવસે મજૂરી અને રાત્રે ચોરી કરતી ગેંગને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે સોયાબીન ચોરીનો ભેદ ઉકેલી 7.43 લાખના મુદામાલ સાથે ચંડાળ ચોકડીને પકડી પાડી

જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે રહેણાંક મકાનના તાળા તોડી લાખો રૂપિયાના સોયાબીનના તૈયાર પાકની ચોરી કરનાર ચંડાળ ચોકડીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે રોકડ, બોલેરો ગાડી, અને મોબાઈલ સહીત 7.43 લાખના મુદામાલ સાથે ઝડપી લીધી છે. પોલીસના હાથે ઝડપાયેલ આ તસ્કર ગેંગ દિવસના ખેત મજૂરી કરવાની સાથે રેકી કરી રાત્રીના ચોરીને અંજામ આપતી હોવાનું કબુલ્યું છે.

જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી તથા પીએસઆઇ ડી.જી.બડવા તથા પીએસઆઇ એ.ડી.વાળા સહિતના સ્ટાફ દ્વારા માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે સોયાબીન ચોરીનો ભેદ ઉકેલવા બનાવ સ્થળની નજીકનાં સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સેલની મદદથી પ્રયત્નશીલ હતા ત્યારે માળીયા પીએસઆઇ એસ.આઇ.મંઘરા અને ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ વી. કે.ચાવડા તથા પો.કોન્સ.સાહિલ સમાને ખાનગીરાહે સંયુક્તમાં ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, આ ચોરી વિરડી ગામના વિશાલ માલદેભાઇ કોળી, કેશોદના ભરત કોળી, જેપુર ગામના જગદીશ કોળી અને અમરાપુર કાઠીના હમીર રામા કોળી એમ ચારેય જણાએ સાથે મળી ચોરી કરેલ હોવાની અને આ ચારેય જણા અમરાપુર કાઠીખાતે ભેગા થયેલ હોવાની બાતમી મળી હતી.

બાતમીને પગલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેંદરડા તાલુકાના અમરાપુર કાઠી ગામે પહોંચતા ગામના પાદરમાં એક સફેદ કલરનો બોલેરો ગાડીમાં ચારેય ઈસમો મળી આવ્યા હતા જેની પ્રાથમિક પૂછપરછ કરતાં કોઇ હકિકત જણાવતા ન હોય જેથી ચારેય ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગત તા. ૨૮ ડિસેમ્બરે રાત્રીના સમયે વિરડી ગામે યોગેશભાઇ વિરાભાઇ મોરીના મકાને રાખેલ સોયાબીનના 70 કટ્ટાની ચોરી કરેલ હોવાની અને આ સોયાબીનનો જથ્થો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિવેક એન્ટરપ્રાઇઝમાં રૂ.2,12,000માં વેચ્યાની કબૂલાત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસને હાથે ઝડપાયેલ આ ચંડાળ દિવસ દરમિયાન ભાગીયા રાખી ખેતમજૂરી કરતા હતા અને રેકી કરી મોકો મળ્યે ખેતરમાંથી ઉતરેલા પાક અન્ય જગ્યાએ જઈ વેચી મારતા હતા. હાલ પોલીસે ચોકડીના કબ્જામાંથી સોયાબીનના કટ્ટા વેંચતા મળેલા રોકડા રૂપિયા 2.12 લાખ, પાંચ લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર, અને 31 હજારના ચાર મોબાઈલ ફોન મળી કુલ 7.43 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા,પીએસઆઇ એ.ડી.વાળા, પીએસઆઇ ડી.એમ.જલુ, માળીયા પીએસઆઇ એસ.આઇ.મંધરા, ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા, પો કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નદાણીયા, જગદિશભાઇ ભાટ તથા માળીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. ભરતગીરી ગોસ્વામી, પો કોન્સ હિતેષભાઇ છેલાણા, રાકેશભાઇ રામ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરી હતી.