હાય રે આભડછેટ : સર્વ જ્ઞાતીના જમણવારમાં એક જ્ઞાતિના લોકોને અલગ બેસાડતા ફોજદારી કાર્યવાહી

વંથલીના બોડકા ગામે સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના બનાવમાં 4 સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ

જૂનાગઢ : દેશ અને દુનિયા ગમે એટલી આગળ વધે પરંતુ હજુ પણ કેટલાક ગામડામાં અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા લોકોમાં મનમાંથી આભડછેટ દૂર થઈ નથી. આ બાબત દેશ અને સમગ્ર માનવ સમાજ માટે દુઃખદાયક છે. આવા જ એક બનાવમાં જૂનાગઢ જિલ્લાના વંથલીના બોડકા ગામે સર્વ જ્ઞાતીના જમણવારમાં એક જ્ઞાતિના લોકોને અલગ બેસાડી આભડછેટ ભર્યુ વર્તન કરી લાગણી દુભાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે 4 સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવીકુમાર દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.ર૬, રહે.બોડકા પ્લોટ વિસ્તાર, તા.વંથલી) એ આરોપીઓ કૌશિકાબેન સચિનભાઈ ડાકી, સચિનભાઈ ડાકી, કિશોરગર રામગર મેઘનાથી, સંગીતાબેન ચુનીલાલ દેસાઈ (રહે.ચારેય ગામ-બોડકા તા.વંથલી) ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ આરોપીઓએ બોડકા ગામની સર્વ જ્ઞાતીના માણસોનો જાહેર જમણવાર કરી અનુ.જાતિના માણસોને અલગ જમવા બેસાડી આભડછેટ ભર્યુ વર્તન કરી લાગણી દુભાવી હતી. આ બનાવની ફરિયાદમાં પોલીસે ચારેય આરોપીઓ સામે એટ્રોસીટીનો ગુન્હો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.