વિશ્વ પ્રસિદ્ધ શિવરાત્રી મેળા યોજવા સરકારના હકારાત્મક અભિગમ અપનાવે : સંતો,મહંતો અને વેપારીઓ આતુર

ભવનાથના ઉતારા મંડળ દ્વારા મેળાના આયોજન અંગે તમામ તૈયારીઓ કરી લેવાય, કોરોના કાળમાં બે વર્ષથી રદ થતા ભવનાથના મેળાને આ વખતે સરકાર મંજૂરી આપે તેવી ઉગ્ર માંગ

જૂનાગઢ : દેશભરમાં વિખ્યાત અને ભારે શ્રદ્ધા તેમજ આસ્થાના કેન્દ્ર સમાન જૂનાગઢનો ભવનાથ ખાતેના આગામી મહાશિવરાત્રીના મેળા માટે ભવનાથ સાધુ સમાજ અને ઉતારા મંડળે તમામ તૈયારીઓ કરી લીધી છે અને મેળાના આયોજન માટે ભારે ઉત્સાહ દાખવ્યો છે. આથી કોરોના કાળમાં બે વર્ષથી રદ થતા ભવનાથના મેળાને આ વખતે સરકાર મંજૂરી આપે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.

ભારતભરમાં વિખ્યાત એવા જૂનાગઢના ભવનાથ ખાતેના મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ભવનાથ શિવરાત્રી મેળાના ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, આગામી 25 ફ્રેબ્રુઆરીથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાની શરૂઆત થનાર છે અને 1 માર્ચે મહાશિવરાત્રીના પાવનપર્વ ઉપર શિવરાત્રીનો મેળો યોજાશે.ત્યારે આ શિવરાત્રીના મેળામાં ગુજરાત જ નહીં બલ્કે પુરા ભારતભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ અને સાધુ સંતો તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ ફક્તને ફક્ત શિવની આરાધના માટે એકત્ર થનાર હોય ગયા વિકમાં આ અંગે મીટીંગ બોલાવી આયોજન નક્કી કરીને સરકાર તરફથી આ મેળાને મંજુરી મળે તે માટે કલેકટરને રજુઆત કરાઈ છે.

જૂનાગઢની સમસ્ત પ્રજા, વેપારીઓ તેમજ તમામ સંસ્થાઓ અને ખુદ તંત્ર પણ ક્યાંય ને ક્યાંક ભવનાથનો શિવરાત્રીનો મેળો થાય તેવું ઇચ્છી રહ્યું છે. ખાસ કરીને ભવનાથના મેળાથી વેપારીઓને સારી કમાણી થતી હોય છે. આ અંગે વેપારી રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોના કાળના છેલ્લા બે વર્ષમાં આ મેળાને મજૂરી મળી ન હતી. જૂનાગઢના મોટાભાગના વેપારીઓના વેપાર શિવરાત્રી ઉપર ટકેલા હોય છે. પણ મેળો ન થવાથી પાછલા બે વર્ષમાં વેપારીઓને ભારે આર્થિક ખોટ સહન કરવી પડી છે. ત્યારે આ વખતે કોરોના હળવો હોય સરકાર તરફથી મંજૂરી મળે તો વેપારીઓને મોટી રાહત થશે અને શિવરાત્રીના મેળામાં વેપારીઓના વેપારીને વેગ મળશે.

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીએ જણાવ્યું હતું કે ગીરનાર ભવનાથનો સમસ્ત સાધુ સમાજ આ વખતે મહાશિવરાત્રીનો મેળો થાય એ માટે જબરી ઉત્સકુતા ધરાવે છે. અને સમસ્ત સાધુ સમાજે આ માટે તૈયારી પણ કરી લીધી છે. ભવનાથના મેળા દિગંબર સાધુઓ રવેડી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. મોટાભાગના લોકો આ દિગંબર સાધુઓ રવેડી જોવા જ આવતા હોય છે અને લાખો લોકો આ મેળાના શિવના મહિમાગાન સાથે શ્રદ્ધાપૂર્વક માણે છે. તેથી સરકાર આ વખતે હકારાત્મક અભિગમ દાખવે તેવી સમસ્ત સાધુ સમાજની માંગ છે.

જો કે ભવનાથના શિવરાત્રીના મેળાની તો તમામ તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે અને સરકાર પણ મંજુરી આપશે તેવી લોકોને આશા છે. ત્યારે ભવનાથના મેળાને સરકાર મંજુરી આપે છે કે નહીં તે જોવાનું રહ્યું.