ધર્મ ને બદલે ધંધો ! જૂનાગઢમાં આશ્રમોમાં લગ્ન પ્રસંગોના આયોજન સામે પૂ.ઇન્દ્રભારતીજી બાપુ નારાજ

ભવનાથ તળેટીથી રૂપાયતન સુધી નો પાર્કિંગ ઝોન અને ડીજે બેન્ડ વાજા ઉપર પ્રતિબંધ મુકવા માંગ

જૂનાગઢ : જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તરમાં આવેલ કેટલાક આશ્રમો લગ્નપ્રસંગો માટે ભાડે આપી ધર્મના નામે ધંધો શરૂ થઈ જતા ગિરનાર સંત મંડળના પૂજય ઇન્દ્રભારતીજી બાપુએ ભારોભાર નારાજગી દર્શાવી ભવનાથ તળેટીથી રૂપાયતન સુધી નો પાર્કિંગ ઝોન અમલમાં મૂકવા અને અહીં ઘોંઘાટીયા ડીજે અને બેન્ડ વાજા ઉપર પ્રતિબંધિત કરવા માંગ ઉઠાવી છે. જો કે આધ્યાત્મિક નગરીમાં ધૂન, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો સામે કોઈ જ પ્રશ્ન ન હોવાનું પૂજ્ય બાપુએ ભાર પૂર્વક જણાવ્યું છે.

ગિરનાર સંત મંડળના પૂજ્ય ઇન્દ્રભારતીજી બાપુએ વહીવટી તંત્ર સમક્ષ માંગ ઉઠાવી જણાવ્યું છે કે, અધ્યાત્મિક નગરી જૂનાગઢમાં ભવનાથ તળેટીએ એક ધર્મની ધરોહર સમી ધાર્મિક ભૂમિ છે જ્યાં સાધુ સંતો આશ્રમમા બિરાજી અલખની આરાધના કરે છે ત્યારે અમુક આશ્રમો વાડીઓ લગ્ન પ્રસંગે ભાડે આપી ઘોંઘાટ સર્જે છે જેથી સાધુ સમાજ ખફા થયો છે.

પૂજ્ય ઇન્દ્રભારતીજી બાપુએ જણાવ્યું હતું કે, આશ્રમનો મતલબ આશરાધર્મ છે.જ્યારે અમુક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે ધર્મને બદલે ધંધો શરૂ કરી લગ્ન પ્રસંગે ભાડે આપવાનું શરૂ કર્યું છે.જે વ્યાજબી નથી.લગ્નપ્રસંગે આવેલા લોકો સવારે સાંજે ગમે ત્યારે બેન્ડ પાર્ટી, ડીજે સાથે અસહ્ય ઘોંઘાટ કરી સાધુ સંતોને ભજન ભોળાનાથની આરાધનામાં ખલેલ પહોંચાડે છે. જે ખૂબ જ દુઃખની વાત હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, સવારે 7થી12 અને સાંજે 7થી12 આ વિસ્તારને સાઇલેન્ટ ઝોન જાહેર કરવા માંગણી કરી જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આધ્યાત્મિક નગરી છે અહીં ધૂન, ભજન, કીર્તન સહિતના ધાર્મિક આયોજનો થતા હોય તે સામે કોઈ વાંધો નથી અને આવા કાર્યક્રમ થવા જ જોઈએ એ જ આ નગરીની ઓળખ છે. ભૂતકાળમાં નવાબોના શાસન દરમિયાન પણ લાઉડ સ્પીકરની મંજૂરી નહોતી આપી જેથી આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માંગ ઉઠાવી ઇન્દ્રભારતીજી બાપુ ગેટથી રૂપાયતન રોડને નો પાર્કિંગ ઝોન અથવા એક માર્ગીય રસ્તો જાહેર કરવા પ્રબળ માંગ કરી છે. ઉપરાંત આશ્રમો લગ્નપ્રસંગ માટે ભાડે આપવામાં આવતા હોય બસ અને અન્ય વાહનનો ટ્રાફિક સર્જાતો હોય આવા પ્રસંગો યોજવા ઉપર પાબંધી લાદવા અંતમાં પુનઃ માંગ દોહરાવી છે.