કંસારા જ્ઞાતિનો OBCમાં સમાવેશ કરો : મુખ્યમંત્રીને રજુઆત

કંસારા મુખ્યત્વે તાંબા, પિત્તળ, કાંસા ઘાટના હાથ ઘડતરના વાસણો બનાવનાર કારીગર વર્ગ હોવા છતાં OBCમાં સમાવેશ ન કરીને અન્યાય કર્યો હોવાની ફરિયાદ કરી

જૂનાગઢ : કેન્દ્ર સરકારે 102મો બંધારણીય સુધારો સર્વાનુમતે મંજુર કરી દરેક રાજ્યોને પોતાના રાજ્યની વસતી જ્ઞાતિઓમાંથી કઈ જ્ઞાતિને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવી તેની સત્તા રાજ્યોને સુપ્રત કરી છે. તેથી કંસારા જ્ઞાતિનો OBCમાં સમાવેશ કરવા માટેની માંગ સાથે જૂનાગઢની કંસારા જ્ઞાતિના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, કંસારા જ્ઞાતિ વિશ્વકર્મા ભગવાનના સંતાન છે. સોની, લુહાર (પંચાલ), સુથાર (મિસ્ત્રી) જે કારીગર વર્ગ છે. તે વિશ્વકર્મા ભગવાનના સંતાનો છે. કંસારા મુખ્યત્વે તાંબા, પિત્તળ, કાંસા ઘાટના હાથ ઘડતરના વાસણો બનાવનાર કારીગર વર્ગ છે, તેમ છતાં અમારો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, તેથી કંસારા જ્ઞાતિ અન્યાયની લાગણી અનુભવે છે. આપણા પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત કુલ ૧૮ રાજ્યોમાં કંસારાનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કંસારા કારીગર વર્ગના વર્ષના નવ મહિના વાસણ બનાવવાની મજુરી કામ મળે છે. તેમની આવકમાંથી ઘરના સભ્યોનું ભરણપોષણ, સામાજિક પ્રસંગો, બાળકોનુ શિક્ષણ, સહિતનો ખર્ચ કાઢવાનો હોય છે. નબળી આર્થિક સ્થિતિને કારણે તેમના બાળકો ખર્ચાળ ઉચ્ચશિક્ષણથી વંચિત રહે છે. અભ્યાસ અધૂરો મૂકીને ઘરના વડીલને મદદરૂપ થવાના શુભ આશયથી વાસણ બનાવવાના ધંધામાં જોડાઈ જાય છે. નબળી આર્થિક સ્થિતિ તેમજ અશિક્ષિત હોવાના કારણે આવા યુવાનોના લગ્ન થઈ શકતા નથી. લગ્ન સંબંધી મોટી સામાજિક સમસ્યા આજે પણ અમારી જ્ઞાતિમાં છે.

મધ્યમ વર્ગના યુવક-યુવતીઓ જે ભણવામાં હોશિયાર ( તેજસ્વી) છે તેઓને મેડિકલ, એન્જિનિયરિંગ, અથવા તેઓ જેમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઉત્સુક હોય છે પરંતુ ઓપન કેટેગરીમાં હોવાથી થોડા માર્ક્સ માટે તેઓ તેમની પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકતા નથી. અસહ્ય મોંધવારી,મોંઘુ શિક્ષણ ના કારણે આર્થિક રીતે નબળા યુવક-યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી, અથવા મજબૂરીથી અન્ય બ્રાંચમાં પ્રવેશ મેળવે છે તેનાથી તેમનામાં તથા કુટુંબમાં હતાશા વ્યાપી જાય છે.

સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોનો વધુ વપરાશ થવાના કારણે તાંબા પિત્તળના વાસણોનો વપરાશ ઘટતો ગયો છે. વાસણ રીપેરીંગ અને કલાઈ કરવાની જરુરીયાત હોવાથી રોજગારીનું સર્જન થતું હતું તે હવે લુપ્ત થઈ ગયું છે. (કંસારા જ્ઞાતિનો ઓબીસીમા સમાવેશ કરવામાં આવે તો અમારા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તેમજ તેમના કુટુંબના સભ્યોને શિક્ષિત કરે જેથી ધીમે ધીમે અમારા સમાજની સામાજિક, શૈક્ષણિક, તથા આર્થિક સમસ્યા દૂર થાય. કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કરવાની અમારી માગણી લગભગ ૨૫ વર્ષ જૂની છે. ગુજરાતમાં અમારી વસ્તી અંદાજીત ૫૦,૦૦૦ની છે. અમો કોઇ સમાજનો હક છીનવવા માટે કે દેખાદેખીમાં માગણી કરતા નથી. કેન્દ્ર સરકારના 102 મો બંધારણીય સુધારા મુજબ રાજ્ય સરકારને જે સત્તા આપવામાં આવી છે તે મુજબ આપ (નોટિફિકેશન) જાહેરનામું બહાર પાડી કંસારા જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરશો તેવી અરજ કરી છે.