ગિરનારના સ્પાઇડરમેનને વન વિભાગનું તેંડુ : સંસ્થાઓ સમર્થનમાં આવતા માત્ર નિવેદન લેવાયું

વન વિભાગે ભૈરવ ટૂંક ઉપર સ્પાઇડર મેનને પ્રાણીઓ કે આવાર તત્વોથી કોઈ નુકશાન ન થાય તે માટે જરૂરી નિવેદન લઈને સૂચના આપી

જૂનાગઢ : જૂનાગઢના ગિરનારમાં ભૈરવ ટૂંક ઉપર છેલ્લા 20 વર્ષથી શ્રદ્ધાના બળે જોખની રીતે આરોહણ અવરોહણ કરનાર દેશી સ્પાઇડર મેનને વન વિભાગે નોટિસ પઠાવીને તેંડુ મોકલતા ભારે ખળભળાટ મચી ગયો હતો. વન વિભાગની કાર્યવાહી દરમિયાન સ્પાઇડર મેન કાયદાકીય સંકજામાં ન સપડાઈ તે માટે જાણીતા વકીલ અને સાધુ સંતો હાજર રહ્યા હતા. જો કે વન વિભાગે ભૈરવ ટૂંક ઉપર સ્પાઇડર મેનને પ્રાણીઓ કે આવાર તત્વોથી કોઈ નુકશાન ન થાય તે માટે જરૂરી નિવેદન લઈને સૂચના આપી હતી.

ગિરનારના ભૈરવ ટૂંક ઉપર ચડનાર સાહસિક પ્રેમ કૂછડીયાને આ મામલે વન વિભાગે નોટિસ ફટકારીને ફોરેસ્ટ કચેરીએ હાજર થવા ફરમાન કર્યું હતું. જો કે પ્રેમ કાછડીયા છેલ્લા 20 વર્ષેથી ધાર્મિક માન્યતાઓ અને ભારે શ્રદ્ધા ધરાવતા હોવાથી ભૈરવ ટૂંક ઉપર દર્શને જતા હોય એમાં કોઈ કાયદાકીય ગુન્હો ન બનતો હોય છતાં આ રીતે વન વિભાગે નોટિસ પાઠવતા સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓમાં હલચલ મચી ગઇ હતી. ત્યારે આ સ્પાઇડર મેન પ્રેમ કાછડીયાને વન વિભાગની આ કાર્યવાહીમાં હાનિ ન પહોંચે તે માટે જાણીતા એડવોકેટ હેમાબેન શુકલા તેમની મદદે આવ્યા હતા.

દરમિયાન સ્પાઇડર મેન પ્રેમ કાછડીયા વન વિભાગની મળેલી નોટિસ સંદર્ભે પોતાના એડવોકેટ હેમાબેન શુકલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સામાજિક આગેવાનો તથા સાધુ સંતો સાથે વન વિભાગ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે વન વિભાગના અધિકારી જયંત પટેલે જણાવ્યું હતું કે, આ એક ધાર્મિક કાર્ય છે. એટલે ધાર્મિક લાગણી ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ આ ભાઈ ભૈરવ ટૂંક ઉપર ચડતા હોય ત્યારે પ્રાણીઓ કે ત્યાં અવારા તત્વોથી નુકસાન ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમનું નિવેદન લઈને સૂચના આપવામાં આવી છે. સામાંપક્ષે પ્રેમ કાછડિયા અને વકીલ પણ વન વિભાગની આ કાર્યવાહીથી સમંત થયા હતા અને વન વિભાગને જરૂરી સહકાર આપી જરૂરી સુરક્ષા સાથે હવે પછી ભૈરવ ટૂંક ઉપર ચડવાની હૈયાધારણા આપી હતી.