જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ અચાનક તળિયે ! નવા 51 કેસ

જિલ્લામાં 108 દર્દીઓ કોરોનાને હરાવી સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે અચાનક કોરોના તળિયે બેસી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે સમગ્ર જિલ્લામાં માત્ર 51 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે સમગ્ર જિલ્લાના નાગરિકો માટે રાહતરૂપ છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે હાથ ધરાયેલ ટેસ્ટિંગ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 51 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં જૂનાગઢ શહેરમાં 15, જૂનાગઢમાં 7, કેશોદમાં 7, ભેસાણમાં 2, માળીયા હાટીનામાં 1, માણાવદરમાં 5, માંગરોળમાં 2, વંથલીમાં 6 અને વિસાવદરમાં 6 કેસ નોંધાયા હતા.

વધુમાં આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ સડસડાટ ઊંચે ચડ્યો છે અને જૂનાગઢ શહેરના 70, જૂનાગઢ ગ્રામ્યના 7, કેશોદના 11, માણાવદરના 8 અને વિસાવદરના 12 મળી કુલ 108 દર્દીઓ સ્વસ્થ બનતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

આજના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ મારફતે 4608 નાગરિકોને સારવાર આપી સ્વાસ્થ્ય વર્ધક દવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત શહેર અને જિલ્લાના 2949 નાગરિકોને કોરોના વેકસીન પણ આપવામાં આવી હતી.