મેંદરડા તાલુકાના ગુંદાળા ગામની કંપનીએ ચીન કંપની સાથે મળી કરોડોનું કૌભાંડ આચર્યું

રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીના ડેપ્યુટી રજિસ્ટ્રાર અંકિતા લોહાટીએ અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ચીનની કંપનીસાથે મળીને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગુંદાળા (ગીર ગુંદાળા) ગામની મેસર્સ દિવ્યમ ઇન્ફ્રાકોન પ્રા.લિ.ના ડિરેક્ટરોએ લોકોને કરોડનો ચૂનો ચોપડી દેતા દિવ્યમ કંપની વિરુદ્ધ રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીના અધિકારીએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીના ડેપ્યુટી રજિસ્ટ્રાર અંકિતા લોહાટીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં જૂનાગઢના મેંદરડાના ગુંદાળા ગામમાં આવેલી મેસર્સ દિવ્યમ ઇન્ફ્રાકોન પ્રા.લિ.ના ડિરેક્ટર મુકેશભાઈ ગોબરભાઈ ચોથાણી, હરેશભાઈ ગોબરભાઈ ચોથાણી, ભાવેશકુમાર કાળાભાઈ સોરઠિયા, કંપનીના પાર્ટનર કમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશાલકુમાર દામજીભાઈ કપુરિયા અને વિશાલ કુમાર અને ચીનના નાગરિકો સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કંપનીના ડિરેક્ટરોએ પાવર બેંક એપ્લિકેશન મારફતે લોકોને ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. ત્યાર બાદ લોકોને પૈસા પાછા નહીં આપી રૂ.360 કરોડની છેતરપીંડી કરી હતી. આ કંપની કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની પાસે ખૂબ જ નજીવા પ્રમાણમાં સ્થાવર મિલકત છે. કંપની પાસે રૂ.50.21 લાખની પબ્લિક ડિપોઝિટ હોવાનું જણાય છે. આ કંપનીએ ઈન્ડિયન બેંક પાસેથી રૂ.10 લાખની સિક્યોર્ડ લોન લીધેલી છે.

કંપનીએ ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલી બેલેન્સ શીટ, નફા-નુકસાનના આંકડા તેમ જ ભરેલા ફોર્મ વચ્ચે પણ તફાવત હોવાનું જણાઈ આવે છે. આમ કંપનીના ડિરેક્ટરો અને ભાગીદારોએ ચીનની કંપનીના ડિરેક્ટરો સાથે મળીને તેમની કંપનીનો નફો ઓછો બતાવી અથવા તો નુકસાન બતાવીને તે પૈસા ચીન મોકલ્યા હોવાનું જણાઈ આવતા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.