દારૂની રેઇડની તેજ બાતમી આપી હોવાનું કહી બુટલેગરો યુવાન પર તૂટી પડ્યા

કેશોદના ફાગડી રોડ પરના તબેલામાં યુવાન ઉપર હુમલાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદના ફાગડી રોડ પરના તબેલામાં સુતેલા યુવાન પાસે જઈ તેજ દારૂની બાતમી આપી રેડ કરાવી હોવાનું કહી બુટલેગરો લોખડનો પાઇપ, છરી સહિતના ઘાતક હથિયારો વડે તેના ઉપર તૂટી પડ્યા હતા અને યુવાન ઉપર હુમલો કરી આજે તો બચી ગયો પણ હવે પછી ભેગો થાઇશ તો જાનથી મારી નાખીશ તેવી ત્રણ શખ્સોએ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સતીષભાઇ ભાયાભાઇ કેશવાલા (ઉ.વ.૩૮ રહે.કેશોદ સોમનાથ સોસાયટી)એ આરોપીઓ રમેશ ઉર્ફે રમલો રાજનપરી ગૌસ્વામી (રહે.કેશોદ), હીતેષભાઇ ભરડા (રહે.કેશોદ ચુનાભઠ્ઠી વિસ્તાર), અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.24ના રોજ કેશોદના ફાગડી રોડ આવેલા પોતાના તબેલામાં ફરીયાદી સુતા હતા.

તે દરમિયાન ત્રણેય આરોપીઓ તબેલાની દીવાલ કુદી ફરીયાદી પાસે જઇ એક આરોપીએ ફરીયાદીને કહેલ કે હમણા મારા ઉપર કેશોદ પોલીસ સ્ટેશનમાં જે ઇંગ્લીશ દારૂનો કેશ થયેલ છે તેની બાતમી તેજ પોલીસને આપેલ છે તેવુ કહી આરોપીઓએ લોખંડના પાઇપથી તથા પાવડાના હાથાથી તથા છરી ફરીયાદીના શરીરે તથા બન્ને પગના ભાગે આડેધડ મારમારી ફરીયાદીના બન્ને પગમાં ફેક્ચર કરી તથા પગમાં છરકા કરી તથા ફરીયાદીના ડાબા હાથની પ્રથમ આંગળી તથા મોઢાના ભાગે ઇજા કરી ભુંડી ગાળો કાઢી કહેલ કે આજે તો તુ બચી ગયો પણ હવે પછી ગામમાં ભેગો થાઇશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.