જૂનાગઢમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી

રાજયના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા તિરંગાને સલામી અપાઇ : કરુણા અભિયાનમાં જોડાયેલ વનકર્મીઓ અને સ્વયંસેવકોનું સન્માન કરાયું

જૂનાગઢ : જૂનાગઢના બીલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩માં જિલ્‍લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વાહન વ્યવહારમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ રાષ્‍ટ્રગાન સાથે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્યા બાદ જિલ્લા કલેકટર રચિત રાજ અને પોલીસવડા રવિ તેજા વાસમ સેટી સાથે ખુલ્લી જીપમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહારમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પ્રજાસત્તાક રાષ્‍ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે એવી પ્રાર્થના સાથે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની વિગતો આપી હતી સાથો સાથ . આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહા સત્તા તરીકે ઉભરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત અને દિર્ઘદ્રષ્ટિ પૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સરકાર છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાકીય લાભો આપી રહી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને નતમસ્‍તકે યાદ કર્યા હતા.

કોરોનાને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકાર દ્વારા વ્યાપક પગલા લેવામાં આવ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ અટકે તેમજ મહામારી સામે રક્ષણ મળે તે ઉદેશથી રાજ્યમાં છેલ્લા ૧૨૧ દિવસમાં ૫૩.૮૭ લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૨.૩૩ કરોડ લોકોને દ્રિતીય ડોઝ અપાયો છે. હાલ કુલ ૪.૭૭ કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ ૪.૩૬ કરોડ લોકોને દ્રિતીય ડોઝ અપાયો છે. રાજ્યમાં કોરોના વેક્સીનના બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. કલેક્ટર, ડીડીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયતના સહિયારા પ્રયાસોથી જૂનાગઢે આ સિદ્વિ મેળવી છે. કાર્યક્રમ બાદ સરકારની કોવીડની ગાઇડલાઇન મુજબ યોજાયેલ કાર્યક્રમમાં હેલ્થકેર વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા વન કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, મેયર ધીરૂભાઇ ગોહેલ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડ્યા, મનપા સ્ટેડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા, અગ્રણી દિનેશભાઇ ખટારિયા, ગીરીશભાઇ કોટેચા, જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરિખ, ડીસીએફ સુનિલ બેરવાલ, આસિસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુ, હનુલ ચૌધરી, મ્યુ.કમિશનર રાજેશ તન્ના, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે.જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અધિકારીઓ કર્મચારીઓ તેમજ શાળાના છાત્રો, શિક્ષકગણ તથા જૂનાગઢના નાગરિકો કોવીડ પ્રોટોકોલ અનુસાર સિમિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.