વાડીએ ઘરના તાળા તોડી તસ્કરો રૂ.૨૫૦૦૦ના મુદામાલની ચોરી કરી ગયા

કેશોદના હાંડલા ગામે વાડી વિસ્તાર થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદના હાંડલા ગામે વાડી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને વાડીએ ઘરના તાળા તોડી તસ્કરો રૂ.૨૫૦૦૦ના મુદામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા સઘન તપાસ હાથ ધરી છે.

કેશોદના હાંડલા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ રૂડાભાઈ ડાંગર (ઉ.વ.૩૨) એ અજાણ્યો ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ આરોપીએ ફરીયાદીના વાડીએ પ્રવેશ કરી ઓસરીના નકુચા વાળી તાળુ તોડી ધરમાં અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ લોખંડની ટક (પેટી)નો નકુચો વાળી તાળુ તોડી ટક (પેટી)માં રાખેલ રોકડ રૂપિયા ૨૬૩૦૦ તથા કાનમાં પહેરવાના સોનાના ડુલ નંગ-૧, આશરે ૧૦ ગ્રામના આશરે કી.રૂ.૨૫૦૦૦ તથા અસલ ડોકયુમેન્ટોની ચોરી કરી ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.