જૂનાગઢ ખાતે ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરાઈ

શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરાયા

જૂનાગઢ : જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરાઇ હતી. આ તકે શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત, રાષ્ટ્રીય મતદાતા દિવસના સામૂહિક સંકલ્પ લીધા હતા.

ગાંધીનગર ખાતેથી યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રચિત રાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ચૂંટણી પંચની સ્થાપના ૧૯૫૦માં કરવામાં આવી હતી. લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીપંચનો રોલ ખુબ જ મહત્વનો હોય છે. આ તકે કલેક્ટરશ્રીએ જૂનાગઢ જિલ્લામાં નવા નોંધાયેલા મતદારો, કુલ મતદારોની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ યુવાનોમાં મતદાન પ્રત્યે લોકજાગૃતી આવે એ સૌથી મહત્વની છે. આ તકે તેમણે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ અધિકારી, કર્મચારીઓને ઉત્ક્રષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું.તેમજ વર્ષ ૨૦૨૧માં શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારી અંકિત પન્નુ, હનુલ ચૌધરી, જે.પી.વાજા, કુલદીપ રાઠોડને સન્માનિત કરાયા હતા. તેમજ નવા મતદારોને એપીક કાર્ડ વિતરણ કરાયા હતા.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ ચૂંટણી અધિકારી વી.એન.સરવૈયાએ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડો.દેવાણીએ કરી હતી.આ તકે અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, કૃષિ યુનિ. સ્ટુડનું વેલફેર ડાયરેક્ટર વી.આર.માલમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.